કંઈક હટકે...
સવાર સવારમાં મોર-કોયલના ટહુકા,
નૈસર્ગીક વાતાવરણ અને ચા ની ચૂસકી...
બધાને આઘા-પાછા કરીને એક ''વિચાર'',
દોડતો મારી સામે આવીને ઉભો રહી ગયો.
મેં પૂછ્યું, ''કેમ અચાનક ? મને મારી સવાર તો માણવા દે...
કુદરતને થોડું નજીકથી આજે જાણવા દે...''
''વિચાર'' એ કહ્યું, ''કેટલું જાણવું છે હજી તારે ?
છેલ્લાં કેટલાંય સમયથી તું આ જ તો કરી રહી છે...
તારી આંખો જે સમજવાનો, શોધવાનો પ્રયત્ન કરે છે,
એ આ કુદરતમાં તને ક્યાંય નહીં મળે,
ચાલ મારી સાથે, એ પહેલાં કે તારું મગજ ક્યાંક ભટકે,
તને સમજાવું આજે કંઈક હટકે...''
''જાણું છું તને જોઈએ છે સાથ, દિવસ-રાતનો સંગાથ,
પણ શું એવું ના થઇ શકે ? કે તું મારામાં જ થોડીક રહી શકે ?
મૂક ને આ સમાજ, રીત રિવાજ અને તારી ખોટી આશાઓ...
આપી દે મને સઘળા દુઃખ, તકલીફ અને તારી બધી જ નિરાશાઓ.
માંગ કંઈક એવું જે દુનિયાથી પર હોય,
સાથ હોય જીવનભર, જેની પ્રીત તરબતર હોય.''
સાંભળીને એને હૃદય કંઈક ચકરાવે ચડ્યું,
કેટલીયવાર ઉછળકૂદ કરી તોય આંસુ ખોળામાં પડ્યું.
માંગુ આજે એજ જે ના માગ્યું કોઈએ આજ સુધી,
સાતફેરાનો સાથ નહીં મને હાથ જોઈએ સાત જનમ સુધી.
શું થયું કે ના રહેવાય એક ઓરડે દિન-રાત,
અંતરમાં ઘર કરી રહીએ એક શ્વાસ સંગાથ.
જ્યાં નાની નાની ઈચ્છાઓ એકમેકની પુરી કરવાની હોડ,
તકલીફ હોય એકને ત્યાં રોકાય ના હૃદયની દોડ.
જીવવું છે ઘણું તોય ભલેને દિવસ થાય ઓછા,
હૃદય ધડકે તારા થકી કે શ્વાસ થકી એ સમજવાનાય લોચા.
એક એક પળ મને મારામાં તું મળે,
ઝંખના બસ એટલી જ કે તારામાં પણ હું મળું.
વિરહની વાત નહીં, વિશ્વાસની ઘાત નહીં,
પ્રીત જ પ્રીત જોઈએ મને બીજી કોઈ આસ નહીં.
દોડી આવે તું ફક્ત મારો જ સાથ ઝંખે,
ખોળો હું પાથરું ને મારો હાથ તારા કેશ રમે.
નથી કોઈ દુનિયા મારા-તારાની આસપાસ,
બસ એક હું એક તું, કાયમ સાથે હોવાનો આભાસ.''
સાંભળીને સઘળું ''વિચાર'' પણ વિચારે ચડ્યો,
એવો તે પ્રેમ ? તને દુનિયામાં ક્યાંથી જડ્યો ? Nidhi
ભૂલ થઈ મારી નથી લાયક હું જ તારી નગરીને,
રામ તો તે શોધી જ લીધો, હું શું સમજાવું એક શબરીને ?
પ્રાર્થુ બસ એજ કે તારી ઈચ્છાઓ હવે ક્યાંય ના છટકે,
તું જ છે અલગ, તારા સપના પણ છે...
'' કંઈક હટકે...''