નોટબુક નું પેલું પહેલું પેજ!
નાનપણમાં મમ્મી-પપ્પા કે બીજા કોઈ મોટા લોકો પાસે સાંભળવા મળતું કે નવી નોટબુક નું ડાબી બાજુનું પેજ ખાલી રાખવું અને બાળસહજ મનમાં ઊભો થતો સવાલ પૂછતા આપણે કે 'કેમ આવું'? તો એનો જવાબ મળતો કે ત્યાં વિદ્યાના દેવી આવીને લખે અને એ પછી મનમાં એમ થતું કે ક્યારે આવીને વિદ્યાના દેવી વિદ્યા લખશે અને નોટબુક ભરાય જાય તેમ છતાં એ પેલું પહેલું પેજ તો કોરું જ હોય ત્યારે એ જ શંકા થતી કે આ પેજ તો કોરું છે મતલબ વિદ્યાના દેવીએ આવીને વિદ્યા ન લખી તો શું હવે આપણે પરિક્ષામાં નપાસ થશું?
એ વખતે બાળક તરીકે એમ જ હતું કે જ્યારે વિદ્યાના દેવી વિદ્યા લખશે ત્યારે તે આપણને ખબર પડશે કે એમણે શું લખ્યું છે.વિદ્યા લખવાની વાતમાં કેટલી સત્યતા છે એ તો નથી ખબર પણ હા,એ માન્યતા હજુ પણ એમ જ છે કે વિદ્યાના દેવી આવશે અને કંઈક લખશે એટલે ડાયરીનુ પહેલું પાનું કોરું રાખું છું એ જ આશા સાથે કે સરસ્વતી દેવી આવશે અને લખશે ત્યારે વાંચીશું!
~મૈત્રી બારભૈયા