એક સ્ત્રી મોટી હવેલીમાં રહેતી. ભાગ્યે જ એને ઘરની બહાર જવાની જરૂર પડે. જે જોઈએ એ બધું નોકર એના કમરામાં હાજર કરી દેતા. એકવાર કોઈએ એને પૂછ્યું,
“તારા મતે તમારું આકાશ કેવડું હશે?"
એ સ્ત્રીએ એની બારીમાંથી બહાર નજર કરી અને કહ્યું, “મારું આકાશ આ બારી જેવડું છે. એમાંથી મને વાદળાં દેખાય છે, સૂરજ, ચાંદ અને તારા પણ ક્યારેક જોઈ લઉં છું."
એક બીજી સ્ત્રી લગ્ન કરીને શહેરમાં ઠરીઠામ થયેલી. એક બિલ્ડિંગમાં ચોથા માળે એનું ઘર. એને આ જ પ્રશ્ન પૂછાયો. એણે જવાબ આપ્યો,
“મારું આકાશ આ મારી બાલ્કની જેવડું છે. જેમાં રોજ હું સવારે કપડાં સુકવું છું અને સાંજે લઉં છું. દિવસમાં બે વાર હું બાલ્કનીમાં આવું અને ઘડી ભર ઉપર નજર ઉઠાવું ત્યારે મને મારું આકાશ આવડું જ દેખાય છે, મારી બાલ્કની જેવડું જેમાં ઉડતા પક્ષીઓ છે, પતંગ છે, ધૂળ પણ..."
પ્રશ્ન પૂછનારને સંતોષ ન થયો એણે રોડ ઉપર ચાલતી જતી એક વૃદ્ધ મહિલાને પૂછ્યું, “તમારા મતે તમારું આકાશ કેવડું હશે?"
“મારું આકાશ?" એ વૃદ્ધ સ્ત્રી જરાક હસીને બોલી, “હું તો ઉપર નજર કરવાનું જ ભૂલી ગઈ છું! ઘરની, પતિની, બાળકોની બધાની જવાબદારી પૂરી કરી, એ બધા અહીંયા જમીન ઉપર છે મારે આકાશ સામે નજર કરવાની જરૂર શી પડે?" એ સ્ત્રી ચાલી ગઈ.
એ સવાલ કરનાર ફરતો ફરતો મારી પાસે આવ્યો. એ જ સવાલ પૂછ્યો, મેં કહ્યું,
“મારું આકાશ મારી આંખો જેવડું. આંખોના કદ જેટલું નહીં પણ એ જેટલું જોઈ શકે, બંધ આંખે એવડું."
પ્રશ્નકર્તાને હજી સંતોષ નથી થયો. વિચારો કે એ તમારા ઘરે આવીને તમને જ પૂછી રહ્યો છે. શું જવાબ આપશો? તમારાં મતે તમારું આકાશ કેવડું હશે? 🥰