મૈત્રી...
મૈત્રી એટલે રૂંધી નાખે એવી
લાગણીની ભીંસ નહીં
શ્વાસને મળતી
મબલખ મોકળાશ
એટલે ‘મૈત્રી !’
નિકટતા એટલી
જે દ્રષ્ટિ ધૂંધળી કરી નાખે એ
મૈત્રી નહીં.
પુસ્તક અને આંખો વચ્ચેના
અંતરથી ઉદભવતી
સ્પષ્ટતા એટલે ‘મૈત્રી !’
શું ‘મૈત્રી’ એટલે ચમકતા
કાગળમાં લપેટાયેલી
મોંઘીદાટ ભેટનો ભાર ?
ના રે ના,
મૈત્રી એટલે તો
સુદામાની પોટલીમાં સંતાયેલી
તાંદુલની હળવાશ,
‘ફેસબુક’ ના ફ્રેન્ડ્સ લિસ્ટ’માં વધતા
નામોની યાદથી સીંચાતો
‘અહમ’ મિજાજને
મૈત્રી તો ન જ કહેવાય..
વર્ષો પછી સાવ અચાનક
આંખો પર દબાયેલી
જાણીતી હથેળીએ સર્જેલા
ક્ષણિક અંધકારમાં ઊગતો
કાયમી ઉજાસ એટલે
‘મૈત્રી !’
‘ડૂબતા’ ને બચાવવા
કિનારે ઉભા રહી
દોરડુ ફેંકનાર કદાચ
મિત્ર ન પણ હોય
પરંતુ જેના સુધી
પહોંચવાની ઝંખના
હલેસા બની
સામે કિનારે પહોંચાડે
એ તો મિત્ર જ હોય.
બે નદીઓનું
એકબીજામાં ભળી જઈ
અસ્તિત્વ ગુમાવી દેવાની ઘટનાને
મૈત્રીનું નામ ન આપીએ તો ચાલે..
પરંતુ એકબીજાનું
અસ્તિત્વ અકબંધ રાખી,
છેટા છતાંયે સદાનો સંગાથ
જાળવવા યત્નબદ્ધ
કિનારા
સાવ સાચા મિત્રો કહેવાય.
ટૂંકમાં
આઘું છતાંયે અંગત
અને અંગત છતાંયે આઘું
એટલે ‘મૈત્રી !
🌺❤️🌺❤️🌺
Love you zindagi