*અઢી અક્ષર*
*ગઝલ*
*અઢી અક્ષરમાં મીરાંએ વધાવ્યા શ્યામને,*
*ને રોમેરોમમાં ભીતર સમાવ્યા શ્યામને.*
*સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી,*
*ને અક્ષરનાદથી જલ્દી જ લાવ્યા શ્યામને.*
*એ નરસૈયાને મામેરાની સગવડ ક્યાં હતી?*
*અઢી અક્ષરમાં કરતાલે જગાડ્યા શ્યામને.*
*અઢી અક્ષરને વશ થઈ સ્તંભ ફાડ્યો નરસિંહે,*
*અને પ્રહલાદ ઉગર્યા ખૂબ ભાવ્યા શ્યામને.*
*અઢી અક્ષરમાં છે તાકાત એવી શું કહું,*
*અને બહુ લાડ ગોપીએ લડાવ્યા શ્યામને.*
*જુઓ એ અક્ષરોથી શબ્દ બનતો પ્રેમ જે,*
*અમે પણ 'નેહ'થી હૈયે જડાવ્યા શ્યામને.*
– *વંદના બ્રહ્મભટ્ટ. "નેહ"*
*12/11/'20*