અંતર મળે તો કહેવી,
અંતરની વાત ભાઈ,
નહીંતર અંતર ક્યાંય,
ખોલવાનું નહિ - ટેક
બોલવા જ હોય તો,
મધુર વેણ બોલવા,
કડવું વેણ ક્યાંય,
બોલવાનું નહિ -અંતર
માવતરની સેવા,
થાય તો કરવી ભાઈ,
માન મર્યાદા એની,
લોપવાની નહિ - અંતર
પીવા મળે તો પીજે,
કડવા ઘૂંટડા - r
અમીના કુંભ કોઈના,
ઢોળવાના નહિ -અંતર
પાણી પીધાં પછી,
ઘરના પૂછવું - ર
બાંધીને પ્રીત પછી,
તોડવાની નહિ -અંતર
વાવવા જ હોય તો,
આંબા જ વાવવા,
વીખની વેલડીઓ,
કોઈ રોપવાની નહિ -અંતર
સત્તા મળે કે,
મળે ધનના ઢગલા,
રાંક ના રતન કોઈના,
રોળવાના નહિ - અંતર
દોરંગી દુનિયા,
ચાહે એમ બોલે બુધ,
સત્સંગની વાત તારે,
છોડવાની નહિ - અંતર