સદા કાળાં કામ કરતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
અનીતિને અનુસરતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
ભલેને હોય પરમ ભક્ત એ શંકર તણો શિવપંથી તોયે,
રામને જે અવગણતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
લંકા હરી, પુષ્પક વિમાન હર્યું વળી હરી હરિ તણી નારી
મંદોદરીને ના સમજતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
વેદશાસ્ત્રનો જ્ઞાતા ભલેને હોય એ મહાન જ્ઞાની કે ભક્ત
ૠષિમુનિઓને કનડતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
નાના માલ્યવંતને ભ્રાતા વિભીષણનું અપમાન કરનારો,
સદા કામરસ વિચારતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી
યજ્ઞ ૠષિમુનિઓના અટકાવતોને વેદવતીને પ્રહારતો,
જટાયુની પાંખો છેદતો રાવણ કોઈ કાળે સ્વીકાર્ય નથી
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.