#પ્રેમની_વાત_પ્રેમથી ..
પ્રેમ તમારા વ્યક્તિત્વની ઓળખ છે
તમે કોઈને ભરપૂર પ્રેમ કરો છો એ ઘણી સારી વાત છે. એ વ્યક્તિને તમારા પ્રેમની અનુભતી થાય છે, સવારથી સાંજ સુધી તમે એક જ વ્યક્તિના પ્રેમમાં ડૂબેલા રહો છો. એ વ્યક્તિ ને ખબર છે કે તમે એને અનહદ ચાહો છો.
તો પછી તમારે તમારા પ્રેમને બીજા લોકો આગળ શું કામ બતાવવો પડે છે ? શું કામ તમારે એમ કહેવું પડે છે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું ? બસ તમે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરો છો એ પૂરતું નથી ?
સંબંધો સહજમાં જોડાઈ જતાં હોય છે. કોઈની વાતો, કોઈના વિચારો, કોઈનું વ્યક્તિત્વ, કોઈનો દેખાવ અને બીજું ઘણુંબધું જોઈ આપણે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી જતાં હોઈએ છીએ. પણ સમય જતાં ધીમે ધીમે એ વ્યક્તિની વધુ નજીક આવતા નાના નાના કેટલાક એવા કારણો બન્ને વચ્ચે જન્મ લે છે જે સંબંધ તૂટવા સુધી પહોંચી જાય છે. કદાચ એ ધીમું ઝેર છે. એક એવો સડો છે જે સંબંધને તૂટવા ઉપર મજબૂર કરી નાખે છે. અને એ જન્માવવાનું કારણ પણ આપણે પોતે જ છીએ. કોઈને મેળવવા માટે આપણે ઘણાં બધાં પ્રયત્નો કરતાં હોઈએ છીએ અને મેળવ્યા બાદ એ સંબંધ ને ટકાવી રાખવા કેટલા પ્રયત્નો કરીએ છીએ ? જે વ્યક્તિની કલાકો સુધી ઓનલાઈન બેસી રાહ જોતા હોઈએ એજ વ્યક્તિ મળી ગયા બાદ આપણે એને એક મિનિટ પણ ઓનલાઈન આવવામાં કે રીપ્લાય આપવા માં મોડા પડતાં ગુસ્સો કરવા લાગી જઈએ છીએ. આવા તો ઘણાં કારણો જોવા મળશે.
તમને તમારા નજીકમાં રહેલી વ્યક્તિઓ કે તમે પોતે પણ આવું અનુભવ્યું હશે. જે સંબંધ જોડાય ત્યારે આપણને એમ લાગતું હોય છે કે આ સંબંધ ક્યારેય નહીં તૂટે, આ બે વ્યક્તિઓ એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે કે ક્યારેય છુટા નહીં પડી શકે. પણ થોડા જ સમયમાં જાણવા મળે કે આનું બ્રેકઅપ થયું છે. બ્રેકઅપ પાછળ કારણ કોઈપણ હોય પણ કેટલાક વ્યક્તિઓ કોઈ એકપક્ષને કસૂરવાર ઠેરવી જ દેતાં હોય છે. સાચું તો શું છે એ બંને પ્રેમમાં જોડાયેલી વ્યક્તિઓ જ જાણતી હોય છે. પણ ઘણાં લોકોને તિરાડને ખોતરવામાં મઝા આવે છે. અને આ કામ સૌથી નજીકમાં રહેલા લોકો જ કરે છે. જે લોકોએ જોડાવવા માટે સાથ આપ્યો હોય એજ લોકો સંબંધ તોડાવવામાં પણ એટલી જ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. બ્રેકઅપ બાદના નવા જોડાણમાં પણ આ લોકોને ઘણો રસ હોય છે.
માટે કહેવાનું એટલું જ બને છે કે તમારા પ્રેમને તમારી ગમતી વ્યક્તિ સુધી જ સીમિત રાખો. પ્રેમ જાહેરાત કરવાનું સાધન નથી. પ્રેમ અનુભૂતિ છે. પ્રેમને માણવાનો હોય છે. પ્રેમમાં મનભરી ને જીવવાનું હોય છે. ગમતી વ્યક્તિના સુખ દુઃખમાં સહભાગી થવાનું હોય છે. ક્યારેક ખભો આપી તો ક્યારેક એના ખભે રડવાનું હોય છે.
#નીરવ પટેલ "શ્યામ"