કેળાં એટલે કેળાં. એમાં નવું શું? છાલ ઉતારી અંદરથી પોચું, ગળ્યું મઝાનું ખાઈ જવાનું.
પણ અહીં બેંગલોરમાં કેળાં પણ ચાર પાંચ જાતનાં મળે છે.
એક તો આપણાં દામાન્ય કેળાં. લીલી છાલ, અંદરથી પોચાં. સફેદ અને સહેજ ક્રીમ પીળા રંગનાં. કદમાં સારી જગ્યાએથી લો તો બહુ બહુ તો હથેળી જેવડાં.
બીજાં અહીં મળે છે રોબુસ્ટર કહેવાતાં કેળાં. એ મૂળ કેરાલાનાં વતની, લીલી પોપટી લૂંગી પહેરી બેંગલોર આવી પહોંચેલાં. કદમાં સામાન્ય કેળાંથી મોટાં, લાંબાં. બહારથી લીલાં અને કાળી ચુમકી જોતાં એમ લાગે કે વધુ પાકી ગયાં હશે પણ અંદરથી કડક. અંદરથી સોનેરી અને સહેજ લાલ રંગની છાંટ હોય તેવો રંગ. જાણે ફણસની ચીર કેળાંમાં પ્રવેશી હોય તેવો દેખાવ. એની છાલ રેસાદાર લાગી. એની ઉપર પડો તો લપસો નહીં.
આ કેળાં પાનબીડી, ફણસ કે કેળાંની વેફર જેવું વેંચતા ગલ્લાઓમાં બહાર ટીંગાતાં હોય છે.
ત્રીજાં બહારથી લાલ છાલનાં વિષુવવૃત્તિય કેળાં. એ કદમાં સામાન્ય કેળાં કરતાં સહેજ ઠીંગણા અને જાડાં હોય. એ પણ અંદરથી લાલ સોનેરી, સહેજ કડક અને ગળચટ્ટા.
ચોથાં યેલ્લાંકી કેળાં જેને આપણે એલચી કેળાં પણ કહીએ છીએ,આપણે ત્યાં મોલમાં મળે છે તે ટચુકડાં કેળાં. યેલ્લાંકી કોઈ ગામનું નામ છે , લગભગ યેલ્લાહાંકા. ત્યાંનાં મૂળ. એ નાનાં પણ ખૂબ મીઠાં. જો કેળાંને સુંદરી સાથે સરખાવો તો એ યેલ્લાંકી કેળાં પદમણી. અહીં ખાટી ચટણી, તીખા રસમ વગેરે ઉપર જમીને આ કેળાં ખવાતાં લાગે છે. મંદિરમાં લગભગ આ જ કેળાં ધરાવાતાં અને પ્રસાદમાં અપાતાં હોય છે.