-:રજા :-
આરતીએ પાંચ વર્ષે આજ એક અઠવાડિયાની રજા લીધી.તે પોતાની લાડલી પોયણીને તેના નાનીને ત્યાં લઈ જવાની હતી.નોકરીના લીધે તેને કયારેય સમય જ નહોતો મળતો એટલે તે દીકરીની જીદ સામે નમીને આજ જવા તૈયાર થઈ હતી. બધું બરાબર અયોજન અને તૈયારી થઈ ગઈ.સવારે વહેલું જવાનું હતું એની ખુશીમાં આંખોમાં ઊંઘ નથી આવતી...એવામાં બાજુના રૂમમાંથી એક જોરજોરથી કણસવાનો અવાજ સંભળાવા લાગ્યો.જોયું તો તેના સાસુ કંચનબેનને ખુબ જ તાવ આવ્યો હતો.પથારીમાં ઊછળે એટલી તાણ અનુભવતા હતા.આરતીએ આખી રાત સાસુની સેવા કરી.સવારે તેમને હોસ્પિટલ લઈ જવાનું થયું ડૉક્ટરે ચાર દિવસ એડમિટ થવા કહ્યું. પાંચમાં દિવસે ઘરે આવ્યા. આટલા દિવસથી વેર-વિખેર થયેલાં ઘરની સફાઈ અને ખબર પૂછવા આવેલા મહેમાનને સાચવવામાં બીજા બે દિવસ વીતી ગયા.હવે તો આ ભાગમભાગમાં આરતીની પોતાની પણ તબિયત ખરાબ થઈ ગઈ. પણ શું થાય! રજા તો હવે પુરી થઈ ગઈ હતી...