જયારે જયારે પણ
અસંખ્ય સ્મૃતિઓમાંની
કોઈ અવિસ્મરણીય પળોની
રચનાને શબ્દચિતાર આપવાને
શબ્દઅંકુર ફૂટે એ પહેલાં તો
અચાનક જ ...
ખૂટેલી સહનશીલતાની ક્ષમતાએ
તૂટેલાં પીડાના બાંધમાંથી
વછૂટેલા અશ્રુઓ
તેના પ્રચંડ પ્રવાહમાં
કુમળા શબ્દઅંકુરને ઢસડી જાય છે
પણ હવે...
આ બાવળની જાત જેવી
બિલાડીના ટોપની
માફક મન ફાવે ત્યારે ઉગી નીકળતી
પીડાને હું
પરિપક્વ સમજણની જડ્ડીબુટ્ટી સાથે
ઘુંટીને ગળી ગયો છું,,
હમેંશ માટે
હવે શબ્દઅંકુર નહિ
શબ્દભંડાર ભરાશે
ને હવે તો આજીવન કરતી રહેશે
મારી પરિકલ્પનાઓ
લીલાંછમ શબ્દોની પરિક્રમા.
-વિજય રાવલ