બંધ થઈ જાવ જેમાં, રજા ના એવી દે મને,
હું તને જાવ ભૂલી, દવા ના એવી દે મને.
ભૂલ હો તો સજા દે ભલે મંજુર એ છે મને,
માફી દઈ જાત બાળે, સજા ના એવી દે મને,
ના તો તારો થયો કે, ના તો કોઈનો છું થયો,
હું વગોવાવ અનહદ, દશા ના એવી દે મને.
એમનો હક છે તુજ પર કે, એ જે ગમે તે કરે,
પ્રેમ નહિ કે નહિ નફરત, ફિઝા ના એવી દે મને.
હું કશું એવું ચાહું નહીં, જે તું દઈ ના શકે,
ગેરહાજર રહે તું, જગા ના એવી દે મને.
અક્ષ કાંઈ લખે તો ભલે જાતને કાજ પણ,
હાં સુણી ના શકે કો, વ્યથા ના એવી દે મને.
ક્યાં છે પરવાહ કોઈ કપાઈ જવાની મને?
હું ચગી જાઉ ઊંચે, હવા ના એવી દે મને.
ક્યાં ખબર છે કશી? જિંદગી છે સજા અક્ષ કે,
જીવ વરસો વરસ, દુઆ ના એવી દે મને.