અનેકતામાં એકતા....
મારી શાળાની બાજુમાં જ ગોગા મહારાજ નું સુંદર મંદિર આવેલું છે.આ મંદિર ની બાજુમાં મોટો વડ આવેલો છે.પાનખર ઋતુમાં વડના બધાં જ પાન નીચે પડી જવાથી મંદિર આજુબાજુ કચરો ભેગો થઈ જાય.અમારાં ગામમાં જ આ મંદિર બનાવનાર અને ગામનાં મોભી શ્રી નાગદનભાઈ નિયમિત મંદિરે દર્શન કરવા આવે.પ્રભુની કૃપા થી દરેક ભૌતિક સુખ એમને પ્રાપ્ત થયેલું. એક દિવસ હું મારી શાળાનાં બગીચામાં હતો ત્યારે વડીલશ્રી નાગદનભાઈ ત્યાં મંદિરે દર્શન કરવા આવ્યા.તેમને વડ નીચે બેઠેલા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કહ્યું કે હું તમને દરેક ને ૫૦ રૂપિયા આપીશ તમે આ બધો જ મંદિર ની બાજુનો કચરો સાફ કરી દો. બધાં જ બાળકો આ કામ કરવા તૈયાર થઈ ગયા કારણ કે આ કામ કરવું તેમનાં માટે માત્ર 30 મિનિટ નું જ કામ હતું.આ સમયે આ ટોળામાં બેઠેલો ઇમરાન તરત ઉભો થયો અને નાગદનભાઈ ને જઈને કહ્યું" તમે પૈસા ના આપો આ તો અમે બધાં મિત્રો કરી દઈશું".આ સાંભળી મને નવાઈ લાગી આ બાળકની આર્થિક પરિસ્થિતિ વિશે હું જાણકાર હતો .૫૦ રૂપિયા તેમનાં બધાં મિત્રો માટે કેટલાં મહત્વનાં હતા તે પણ તે જાણતો હતો છતાં આવો નિર્ણય ઇમરાન કહેશે એવું મેં પણ વિચાર્યું ન હતું. વડીલ નાગદનભાઈ પણ કર્મ ની કદર કરવાવાળા હતાં. તેમને બધાં બાળકો ને પૈસા આપવા નું જ કહ્યું. ત્યારે ઇમરાન જે વાક્ય બોલ્યો એ મને આનંદિત કરી દીધો.તેને કહ્યું"કાકા જેમ તમે દર્શન કરવા દરરોજ આવો છો મહારાજ નાં એમ અમે પણ સાંજે બેસવા વડ નીચે આવીએ જ છીએ તો તમારા મહારાજ એ અમારા મહારાજ પણ કહેવાય ને. વડીલ નાગદનભાઈ ની પાસે આ વાક્ય નો જવાબ ન હતો.હું પણ શાળાનાં બગીચામાંથી આ વાત સાંભળી ખુશ થઈ ગયો. વાવેલો નાનો રોપો અચાનક વિશાળ વૃક્ષ બની ગયુ હોય એવું લાગવા લાગ્યું.