યુવાનીના રમખાણ થાળે પડે છે,
પછી ચહેરો દર્પણની સામે પડે છે.
હવે રોજ રાતે છે ઊંઘી જવાયું,
હવે રોજ વરસાદ રાતે પડે છે.
તપાસો, એ ઘરમાં રહે છે હવે કોણ?
બધી વીજળી એના ધાબે પડે છે
હતી જેમાં મૂર્તિ, એ હોડી જ ડૂબી!
ઘણી વાર ભગવાન ભારે પડે છે.
ચઢી એક પર્વત તમે જંપલાવો,
અમારે તો કૂવો જ પાસે પડે છે.
તમે ક્યાંક અમને નડી પણ શકો છો,
પગે લાગનારા જ માથે પડે છે.
અમારી ઉપર ક્યાંથી એની નજર હોય?
અમારી નજર પણ પરાણે પડે છે.
ભાવિન ગોપાણી