સાજા થાઓ - માત્ર તનથી જ નહીં મનથી પણ. શારિરીક તંદુરસ્તી માટે તો મોટા ભાગના લોકો કંઈક ને કંઈક કરી જ લેતા હોય છે. વાત કરીએ મનથી સાજા થવાની.
તમને થશે મનથી તો વળી કેવી રીતે બિમાર થવાય? થવાય. જ્યારે આપણને કોઈનું ખરાબ કરવાનો વિચાર આવે, કોઈને નુકસાન પહોંચે એવા કામ કરીએ, માત્ર પોતાનાથી ઉતરતા સાબિત કરવા માટે કોઈને વારે ઘડીએ અપમાનજનક શબ્દો કહીએ, કોઈ ગમે એટલું સારુ કામ કરે તો પણ એમાંથી કંઈક ખામી કાઢીને જ રહીએ તો સમજી લેજો કે તમે મનથી બિમાર છો અને વહેલી તકે સાજા થવાની જરૂર છે. કોઈનાં હિતેચ્છુ ન બનીએ તો વાંધો નહીં પણ હિતશત્રુ તો ન જ બનીએ. આ આપણી માનસિક નબળાઈ છતી કરે છે.
આપણામાં ગમે એટલી હોશિયારી હોય, ગમે એટલી ઊંચી અભ્યાસની ડિગ્રી હોય, ગમે એટલાં ઉચ્ચ પદ પર નોકરી કરતા હોઈએ પણ એક નાના બાળકથી લઈને એક નીચી પદવી પર કામ કરતા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું એ ખબર ન હોય તો આપણે મનથી સાજા થવાની જરૂર છે.
ક્યાંક વાંચ્યું હતું કે તમે હોટલના વેઈટર સાથે કેવું વર્તન કરો છો એનાં પરથી તમારી સભ્યતાનું પ્રમાણ નક્કી થાય છે. એકદમ સાચી વાત છે.
જો નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય અને સામે કોણ છે એ જોયા વગર જ રોષ વ્યકત કરવા માંડીએ તો મન આપણાં કાબુમાં નથી. એને તાકીદે કાબુ કરવાની જરૂર છે, ટૂંકમાં અહીં પણ મનથી સાજા થવાની જ વાત છે. કોઈને જીવલેણ ચેપી રોગ થયો હોય અને તેના પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર કરવો એ માનસિક નબળાઈનું લક્ષણ છે. એમને હિંમત આપવી જોઈએ કે જેથી કરીને એઓ જલદી સાજા થઈ જાય. માનવી માંદગીથી એટલો હેરાન નથી થતો એટલો એ પોતાને જોનાર કોઈ નથી એ જાણવાથી થાય છે. એ મનથી ભાંગી પડે છે અને માંદગીમાંથી બહાર આવતાં ક્યાં તો ઘણો સમય લાગે છે અને ક્યાં તો પોતાનો જીવ ગુમાવી બેસે છે. એણે સાજા થવાની જેટલી જરૂર છે એટલી જ જરૂર એમની કાળજી લેનારે પોતાનાં મનથી થવાની છે.
અંતે, આપણે મનથી સાજા થઈએ તો શારિરીક બિમારીની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. સંબંધો તૂટતાં બચી જાય છે, એકબીજાને સાચી રીતે ઓળખી શકીએ છીએ, ઘણાં ખોટા વહેમ અને રીતરિવાજોથી દૂર રહીને ખોટા ખર્ચાઓથી બચી શકીએ છીએ.
#સાજા -થાઓ