કર્મફળ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અમદાવાદ જેવા વૈભવી શહેરમાં સૌરભ, પત્ની રીના અને પાંચ વર્ષના દીકરા શુભમ સાથે અહીં ઠરીઠામ થયે પણ લગભગ પાંચ વર્ષ પૂરાં થયાં હતાં.આજથી બપોરના બે વાગ્યા પછીનું જડબેસલાક અને ચૂસ્ત લોકડાઉનને કારણે સૌરભ હજી હમણાં જ ઑફિસેથી આવ્યો હતો.
"બહાર તો ચકલુ ય ફરકતું નથી"-
ચોથા માળેથી પોતાનાં વૈભવી ફ્લેટની બારી બહાર જોઈને સૌરભે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
"તે ક્યાંથી હોય!! એ ય અનલોકની રાહ જુએ છે"
- સાહિત્યરસિક શિક્ષિકા રીનાએ ખૂબ જ વૈચારિક ઉત્તર વાળ્યો.
"એવું નંઈ..., આ શાંત શહેર હવે ભયાનક લાગવા માંડ્યું છે; લોકો ને જીવવું કઈ રીતે તે ય હવે તો એક પ્રશ્ન છે."
"એટલે જ તો અનલોક આવ્યું." રીનાએ ફરી વક્રોક્તિ કરી.
"...પણ તોય આ પ્રજા ક્યાં સુધરે છે? મન ફાવે તેમ કરવાની તેની ટેવનું પરિણામ આખી સૃષ્ટિ ભોગવી રહી છે."
સીવીલ કંસ્ટ્રક્શનનું કામ કરતા પતિદેવ આટલું ઊંડું વિચારશે તેવું રીનાએ ધાર્યું નહોતું. રીનાએ પાણીનો ગ્લાસ હાથમાં આપવાને બદલે ટીપોઇ પર મૂક્યો અને પોતાનાં બંને હાથ સૌરભના ખભે ટેકવી, આંખોમાં આંખ પરોવીને એટલું જ કહ્યું...,
"શું કરે !? માણસ ઘરથી બહું દૂર નીકળી ગયો છે! ખબર નંઈ ક્યાં અટકશે..."
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.