પ્રસ્તુત છે મારી પ્રથમ ગુજરાતી માઇક્રોફિક્શન / લઘુકથા:
"પિતા - પહેલો પુરુષ એકવચન"
હું અને બબીતા. ઘરે પતિ-પત્ની અને એક જ સ્કૂલમાં સહશિક્ષક. બંને જગ્યાએ હું ગણિત શિખવાડું અને તે ભાષા. અમારા મધુર સંબંધોમાં, ભાષા એ ગણિત પર ભારે પડે અને કદાચ એટલેજ, તે અતૂટ વિશ્ર્વાસ પર ટકેલા.
અમારી સ્કૂલમાં એક નિયમ. મોબાઈલ ક્લાસમાં લઈ ના જવાય, તેથી બધા શિક્ષકોના મોબાઈલ પ્રિન્સિપાલની ઓફિસમાં રહે.
અને તે દિવસે, પિરિયડ પૂરો કરી, અમે બંને જેવા સ્ટાફ રૂમમાં પ્રવેશ્યાં, પટાવાળાએ દોડતા આવી કહ્યું: "તમને બંનેને પ્રિન્સિપાલ જલ્દીથી બોલાવે છે." અચરજ સાથે અમે બંને જેવા પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યા, કે તરતજ તેમણે જણાવ્યું કે: "તમારા દિકરાનો હમણાં જ ફોન હતો. તમારી દિકરી ઘરના દાદર પરથી પડી ગઈ છે અને તેને ખૂબ લોહી નીકળે છે, તો તાત્કાલિક દવાખાને લઈ જવી પડશે. તો તમારા માં થી કોઈ પણ એક જણ ઘરે જઈ શકે છે." આ સાંભળીને અમારા બંનેના મોઢા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. હું કંઈ બોલું તે પહેલા તો બબીતાએ કહી દીધું કે: "હું જ ઘરે પહોંચું છું. આમપણ તમારે હવે ફ્રી પિરિયડ છે, તો તમે મારો પિરિયડ પ્રોક્સીમાં લઈ લેજો. મારું મન અહીં નહીં લાગે." અને મારા પ્રત્યુત્તરની રાહ જોયા વિના જ તે તો ઘરે જવા નીકળી ગઈ. દિકરી માટેની ચિંતા અને લાગણી મને પણ એટલાંજ, પણ હું ના જઈ શક્યો. મેં મનને મનાવી લીધું કે: "હશે! તે 'માં' છે ને. તેને વધુ લાગણી હોય."
મને વિચારોમાં ડૂબેલો જોઈ, પ્રિન્સિપાલે ઘરે દિકરા સાથે વાત કરી લેવાની સલાહ આપી. મેં ફોન જોડ્યો અને હું કશું પૂછું તે પહેલા તો દિકરાએ પૂછી લીધું: "પપ્પા, મમ્મી નીકળી ગઈ ને? બહેન ક્યારની મમ્મી, મમ્મી બબડ્યા કરે છે." અને હું તેને 'હા' સિવાય બીજું કંઈ જ કહી ના શક્યો. આંખો સુધી આવેલા આંસુ, પાંપણોમાં જ સમાવીને હું બબીતા નો પ્રોક્સી પિરિયડ લેવા તરફ વળ્યો.
-મોક્ષેશ શાહ.