#બને ?
એમ ક્ષણ ક્ષણ, કણ કણ ન બને.
રસ્તે પથરાય એટલાથી રજકણ ન બને.
દૂર ઊભા ઝાંઝવા દેખાય ત્યારે માનવું,
રેતી દેખાય એટલાથી રણ ન બને.
મુલાકાતોમાં મૌન બોલે એ ઉત્તમ,
શબ્દો કાયમ મનનું ટાંકણ ન બને.
ઝીણું ઝીણું જીવાય એ જ સાચું,
મોટા મોટામાં, એવું કોઇ કાંતણ ન બને.
ભૂલવી પડે જાતને એ યાદ રાખવા
બે-ચાર યાદોથી,વિશેષ રટણ ન બને.
ખુલ્લા પડવાની તૈયારી સાથે જ જોવું
પાંપણ નજરનું ઓઢણ ન બને.
વાઢીને હાથમાં લીધા પછી જામે,
મન ઢીલું પોચું, બાકી કઠણ ન બને.
એ મળે તો ય મરવું પડશે,
ખાલી કાશી જઈને જ મરણ ન બને...
©લીના પ્રતીશ