એક દિ' છૂપાવ્યા'તા દરિયાએ ઈંડા,
પછી કાંકરે-કાંકરે ઝૂકવું પડ્યું.
અભિમાન હેઠે મૂકવું પડ્યું.
==================================
(ભાગ-૨)
તમામ નોન ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોએ હવે જાગૃત થવાની જરૂર છે. સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓનાં કર્મચારીઓને આપણી આ વિચારધારા સામે વાંધો હોઈ શકે પરંતુ બધી વાતે નુકસાન તો નોન ગ્રાન્ટેડ... શિક્ષકોને જ થાય છે. શિક્ષણતંત્રના આદેશાનુસાર કામ તો બધાએ જ સરખા કરવાનાં પરંતુ જ્યારે આર્થિક પાસુ આવે ત્યારે બધા જ નિયમો ડોકાવા લાગે! સરકાર અને સંચાલકોની આંખમીંચામણીમાં નોનગ્રાન્ટેડ શાળાનો શિક્ષક વગર વાંકે પીસાય છે. જેઓ વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ઉજાગર કરવાનો જવાબદારી પૂર્વક પ્રયત્ન કરે છે તેમનું જ ભાવિષ્ય કેટલું સુરક્ષિત?નોન ગ્રાન્ટેડ શિક્ષકોનાં હકની વાત નીકળે ત્યારે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. વેતનની અસમાનતાથી માંડીને અગાઉથી જ રાજીનામાં લખાવી લેવા સુધીની તમામ તાનાશાહી બંધ ફાઇલોમાં છે ત્યાં સુધી ઠીક છે પણ હા; બધાનો જ સમય આવે છે. ઘણી ખાનગી શાળાઓમાં શિક્ષકને એક યાચકની સ્થિતિમાં જ રાખવામાં આવતા હોય છે જેથી તેની રજૂઆત કે માંગણીનો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય! એમાં શિક્ષક બેરોજગારીની ભીડમાં અટવાઈ જવાની બીકે મળેલું જે તે સ્થાન જાળવી રાખવા મૌન સેવી લે છે. શિક્ષણક્ષેત્રમાં શિક્ષકોની જ આવી કફોડી હાલત થાય તો પછી ઉચ્ચાકાંક્ષાઓને ગ્રહણ લાગે જ ! સમાધાનકારી કે હકારાત્મક નિરાકરણો ઘણાં બધા હોય છે અને છે જ, પરંતુ શાણી બુદ્ધિનાં શાણાં પ્રયોગો શિક્ષણ તંત્રને ભ્રષ્ટ કરવા બેઠું છે.
ભલે; આટલી વાત ઉપરાંત પણ ઘણી વાતો છે,જે ઘણાં ઘણુંયે જાણે છે. પરંતુ આ સાથે સૌ સારસ્વત મિત્રોને નમ્ર વિનંતી કે વિદ્યાર્થીઓનાં હિતને પહેલું પ્રાધાન્ય આપીશું અને જ્ઞાનયજ્ઞ અવિરત કરતાં રહીશું. ભલે વેતન ન મળે, ભલે પરિવારને પારાવાર મુશ્કેલી નડે કે ગમે તેવી અગવડ પડે છતાં શિક્ષકત્વ ગુમાવવું નહીં. વળી, હવે તો બમણું કામ કરવું રહ્યું. જે અંધારું પથરાયેલું છે તેમાં પોતાનો એક દીપક પ્રગટાવીએ. કોઈ પણ નાનું મોટું આર્થિક ઉપાર્જન કરીને ગુજરાન ચલાવીએ અને સાથે એક શિક્ષક તરીકેનું કર્તવ્ય પણ નિભાવીએ. ચાલો "સ્વ" ને જ પૂછીએ કે - શિક્ષક "સાધારણ" હોઈ શકે? -- અર્થઘટન તો બધા બહું થાય પરંતુ સાચું સમજાય તેને વંદન.
###
🙏જય માતાજી🙏
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.