એક દિ' છૂપાવ્યા'તા દરિયાએ ઈંડા,
પછી કાંકરે-કાંકરે ઝૂકવું પડ્યું.
અભિમાન હેઠે મૂકવું પડ્યું.
==================================
(ભાગ-૧)
કોઈ પણ પ્રકારની પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા જ મુદ્દા પર આવીએ કે શિક્ષણક્ષેત્રમાં હાલ ફી અને વેતન બાબતે સરકાર,સંચાલક અને વાલી ત્રણેએ હાથ ઊંચા કરી દીધા છે. જે તે મુદ્દાને જોરદાર હવા આપીને સળગતો કરી મૂક્યો છે. અહિંયા સીધેસીધું એ પુરવાર થાય છે કે નોન ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પણ પોતાનો મોરચો જાતે જ સંભાળવો પડશે, કારણકે તેનું કોઈ બેલી નથી. શિક્ષકનું જે થવું હોય તે થાય, સૌએ પોતપોતાના ઝંડા રોપી દીધા. વળી આ સમગ્ર પરિસ્થિતિમાં ત્રણેયને શિક્ષણ તો ચાલું જ રાખવું છે! દરેક શાળા સંચાલકોએ પોતાની શાળાનો દબદબો યથોચિત રાખવો જ છે.જો કે એમાં કશું ખોટુંય નથી, પરંતુ નિઃસ્વાર્થ અનુરાગી શાળાઓને બાદ કરતાં કંઈ કેટલીયે નોન ગ્રાન્ટેડ શાળાઓએ પોતાના કર્મચારીઓનું વેતન ટલ્લે ચઢાવ્યું છે એ કેટલું યોગ્ય? શિક્ષકોને સતત સિધ્ધાંતોના ચાબખાં મારનારાઓ પોતે કેટલા સિદ્ધાંતવાદી છે તે ચકાસી જુએ. અલબત્ત દૂધે ધોયેલા તો કોઈ નથી, છતાં જે શાળા સંચાલકોએ પોતાના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓનું વેતન નથી ચૂકવ્યું તેઓએ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવ્યું હશે?વાલી જો એમ કહેતા હોય કે -"ફી અમે શેની ભરીએ...?" સંચાલકો એમ કહેતા હોય કે -" પગાર ક્યાંથી કરીએ...?" ને, સરકાર તો સરકાર છે!! તો એક વાત યાદ રહે કે બધાને બધી જ ગણતરી દેખાતી હોય છે, આવડતી હોય છે. બહું દુઃખ સાથે કહેવું પડે કે આ બધામાં શિક્ષકની પરિસ્થિતિ આમાનું કોઈ સમજી શકતું નથી.
શિક્ષકો પ્રથમ તો ત્યાં જ શ્રેષ્ઠ પુરવાર થાય છે કે તેઓ કશું બોલતા નથી અને આદેશાનુસાર પોતાનું શિક્ષણકાર્ય (ઓનલાઇન) અવિરત રાખે છે. પછી ભલે તેણે મોબાઈલનું રીચાર્જ કરાવવા ઉધારી રાખી હોય. ઇમાનદારીની પીપૂડી વગાડવી અને ઇમાનદાર હોવું બંનેમાં આભ જમીનનો ફર્ક છે, અને એ બાબતે સારું છે કે હજી શિક્ષકોએ પોતાનું મૌન જાળવી રાખ્યું છે.કદાચ હવે આ બાંધ તૂટે તો નવાઈ નહિ.ઘણી શાળાઓએ તો ઓનલાઇન શિક્ષણની જાણે હોડ શરૂ કરી છે.જે બાળકોને મોબાઇલથી દૂર રાખવાની સલાહ આપવામાં આવતી હતી તેઓને હવે મોબાઇલ સાથે ફરજિયાત જોડી દીધાં.પરંતુ જે વિદ્યાર્થીઓને નેટવર્કરની મુશ્કેલી હશે તેનું શું? જે વિદ્યાર્થીઓ સતત અડધો કલાક કે કલાક પોતાનાં કાનમાં હેન્ડ્સ ફ્રી નાખીને બેસે છે તેની શી હાલત થશે? સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં તો મોબાઈલ - ટેબ્લેટ્સનો વેપાર મંડાયો છે. ઠીક છે, જેની ક્ષમતા હશે તે લેશેય ખરા, પરંતુ કોઈ નોન ગ્રાન્ટેડ શાળાનાં આર્થિક સ્થિતિ ગુમાવી ચૂકેલા શિક્ષકોનાં બાળકોનું શું થાતું હશે ? અને એવી જ પરિસ્થિત ધરાવતાં અન્ય બાળકોનું પણ શું ?
ઘણાં સંચાલકોની એવી એક મનોગ્રંથી હોય છે કે આપણો શિક્ષક કદી નવરો ન રહેવો જોઈએ. જો કે આવું માનસ ઉભું કરવા જવાબદાર શિક્ષક પોતે જ છે; પણ તેથી પાડાનાં વાંકે પખાલીને ડામ ન દેવાય... હા, એ પણ ખરું કે નવરા બેસે તે કદી "શિક્ષક" હોઇ જ ન શકે. અવિરત કાર્યરત રહેવું એવો તેનો સિદ્ધાંત હોવો ઘટે. આ બધી જ વાત તેની જગ્યાએ સાચી હોવા છતાં વાસ્તવિકતા એ છે કે સિદ્ધાંતોથી પેટ ભરાતું નથી. જઠરાગ્નિ અન્ન માંગે છે અને એ અન્ન માત્ર સિદ્ધાંતોના વિનિમયથી નથી મળતું.
***
(ભાગ -૨)ઉપર પણ આપની અમીદ્રષ્ટિની કૃપા કરશો.