વિચારોનાં વમળમાં ફસાયેલું મન ક્યાં આડુંઅવળું ફરીને કઈ કઈ વાતો યાદ અપાવી દેશે એ કહી ન શકાય. આ યાદોમાંથી કોઈક યાદ હસાવી જાય છે તો કોઈક રડાવી જાય છે. મન આપણાં વશમાં હોય તો આડુંઅવળું થઈને પણ પાછું આપણાં આદેશ મુજબ કામે લાગી જાય છે.
આપણાં અનેક પ્રયત્નો પછી પણ જો મનને આપણે પાછા વર્તમાનમાં ન લાવી શકીએ તો સમજી લેજો કે મન આડુંઅવળું નહીં પણ યોગ્ય જગ્યાએ ગયું છે. ભલે બધાં સલાહ આપતા હોય કે ભૂતકાળમાં નહીં પરંતુ વર્તમાનમાં જ જીવવું જોઈએ, પણ અમુક યાદો કે ઘટનાઓ એવી હોય છે કે જે નજર સામે આવી જ જાય છે, મન આડુંઅવળું ભટકવા માંડે છે, ક્યારેક કોઈની સાથેની પળો કે કોઈ વ્યક્તિ જે આપણને કાયમ માટે છોડીને જતી રહી છે એ નજર સામે આવી જાય છે. આ બધી બાબતો આપણાં હાથની વાત નથી. ઘટના કેટલી અગત્યની હતી તેનાં પર આધાર છે કે આડુંઅવળું થયેલું મન વશમાં આવશે કે નહીં.
આપણને છોડીને ગયેલી વ્યક્તિ આપણાં જીવનમાં કેટલી મહત્વની હતી એનાં પર આધાર રાખે છે કે એની યાદો ભૂલી જવાશે કે કાયમ માટે એક અમીટ છાપ છોડી જશે.
હંમેશા મનની સ્થિરતા રાખવા કરતાં ક્યારેક એને આડુંઅવળું પણ થવા દેવું જોઈએ. ખ્યાલ આવશે કે આપણાં માટે શું વધારે મહત્ત્વનું છે. ભૂતકાળ સારો હોય તો વર્તમાનથી દુઃખી થવાશે અને ખરાબ હોય તો વર્તમાનને સહજતાથી સ્વીકારી લેવાશે, માટે મનને થોડું આડુંઅવળું થવા દો.
#આડુઅવળું