કોઈકે સાચું જ કહ્યું છે કે 'ન શોધ તું મને લાગણીઓની ભીનાશમાં, હું મળીશ તને વાસ્તવિકતાની શુષ્કતામાં'. શા માટે જીવનના કોઈ એક તબક્કે લાગણીઓની ભીનાશ શુષ્કતામાં પરિણમે છે? અચાનક તો શું થઈ જાય છે કે એકબીજાના વ્હાલથી, લાગણીભર્યાં શબ્દોથી ભીનું થતું હૈયું માત્ર ઓશીકું જ ભીનું કરી શકે એવું શુષ્ક થઈ જાય છે?
મારા મતે આને માટે જવાબદાર છે એકબીજા સાથે વાતચીતનો અભાવ. ક્યારેક વાત નથી થતી તો ક્યારેક ધારી લેવામાં આવે છે કે આમ જ હશે. ધારી લેવા કરતાં પૂછી લઈએ તો કદાચ સંબંધ તુટી જતો અટકાવી શકાય.
ક્યારેક જવાબદાર હોય છે વધારે પડતી વ્યસ્તતા. આજે માનવી ભૌતિક સુખ મેળવવા માટે એટલો બધો સમય કામ કરે છે કે એનો પોતાનો પણ એક સંસાર છે એનું એને ભાન જ નથી રહેતું. આ વાત માત્ર પુરુષને નહીં પણ સ્ત્રીને પણ એટલી જ લાગુ પડે છે. એકબીજાની દેખાદેખીમાં ભૌતિક સાધનો વસાવવાને બદલે બધાને ભૂલી જઈ માત્ર પોતાના જ ઘરમાં લાગણીઓની ભીનાશ સૂકી ન થાય એનું ધ્યાન રાખીએ તો ઘણાં પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય.
જે રીતે કામથી થાકીને આવેલો પુરુષ આરામ અને શાંતિ ઇચ્છે છે એ જ રીતે આખો દિવસ ઘરમાં રહેલી સ્ત્રી પણ થોડો સમય પોતાના પતિનો સહવાસ ઇચ્છે છે, એની સાથે વાત કરવા ઇચ્છે છે. જો બન્ને એકબીજા સાથે દરરોજ થોડો સમય વાતચીત કરી લે ને તો કદાચ ઓશીકું ભીનું થવાને બદલે હૈયું પ્રેમથી ભીનું રહે.
બાળકોનું પણ એવું જ છે. જયાં એમનું ઉષ્માસભર સ્વાગત થાય ત્યાં એમને વધુ ગમે. બાળકો પ્રત્યેની લાગણીમાં થોડી પણ ઓટ ન વર્તાય તેનું ધ્યાન રાખવું એ સૌથી કપરું કામ છે. એ પુખ્ત વયની વ્યક્તિની જેમ પરિસ્થિતિ કેવી છે એ રીતે સમજી નહીં શકશે. એ માત્ર એટલું જ જોશે કે એને અવગણવામાં આવે છે. ગમે એવી માનસિક સ્થિતી હોય એની અસર બાળક પર ન થવા દો. બાળકનું ઘવાયેલું મન ક્યારેય પાછું લાગણીભીનું કરી શકાતું નથી.
મનની શુષ્કતા એ હૈયાની શુષ્કતા કરતાં સારી છે. હૈયું હંમેશા પ્રેમથી ભીનું હોય તે જ સારું.
#ભીનું