#ઉત્સાહી
'મા આ જો હું શું લઇ આવી ?' નાના નાના બે હાથથી રંગ ભરેલો ખોબો માને બતાવતા જીવી ઉત્સાહથી ખીલી ઉઠી હતી.
'આ ક્યાંથી લઇ આવી..?' માને આશ્ચર્ય થયું.
'સામેના ચોકમાં કેટલાક છોકરાઓ રંગોથી રમતાં હતાં. એ જતા રહ્યાં પછી રસ્તા પર જે રંગ પડ્યો છે એમાંથી લઈને આવી.' ખોબો ભરેલા કચરા સહિતના રંગને જોઈને જીવી હસતાં હસતા આટલું બોલી ત્યાં સામે બેઠેલી જીવીની મા વિચારમાં સરી પડી, 'ગઈ કાલે સાઇબને હપ્તો આપવો પડ્યો ઉપરથી કાંઈ સારી કમાણીય નતી થઈ. સારો વકરો થયો હોત તો હુંય મારી દીકરીને નવા રંગ લઇ દેત, પિચકારી લઇ દેત'
'હોલી હૈ...!!!' જીવીએ મોટેથી બૂમ પાડતાં જીવીની મા વિચારોમાંથી બહાર આવી.
જીવીએ ખોબો ભરેલાં રંગ ખુદ પર ઉડાડયા. રંગવાળા હાથ એની માનાં ચહેરે ફેરવ્યા ને પછી પાલવે હાથ લૂછયાં અને રસ્તા તરફ દોટ મૂકી.
'જીવલી... ક્યાં હાલી પાછી?'
'સામેના ચોકે, ત્યાં હજુ રંગ પડ્યા હશે. હું ખોબો ભરીને રંગ લેતી આવું'
ચોકમાં વેરાયેલા હોળીના રંગબેરંગી રંગો જીવીના ઉલ્લાસથી ભરેલાં રંગની સામે ઝાંખા અને ભોંઠાય પડ્યાં.
- અનામી D
#ઉત્સાહ #ઉત્સાહી #ઉલ્લાસી