Gujarati Quote in Jokes by Jagdish Manilal Rajpara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગધેડો રાષ્ટ્રીય નેતાનું પોસ્ટર ચાવી ગયો,
અને પછી તો એ ગધેડો તાનમાં આવી ગયો!

પળભરમાં ત્રણે કાળનું એને જ્ઞાન થઇ ગયું,
પોતે સાવ ગધેડો નથી એનું ભાન થઇ ગયું.

પહેલાં તો એણે એક સારું સ્થાન ગોતી લીધું,
પછી મોજથી જરા આળોટી લીધું,

(ભ'ઈ આ એની આનંદ વ્યક્ત કરવાની રીત છે, કરે એતો... આપણાથી વચ્ચે ના અવાય!)

પછી તો,
કાન હલાવી, ખરી પછાડી એ તૈયાર થઇ ગયો,
ગઈ કાલનો ગધેડો પળભરમાં તોખાર થઇ ગયો.

હવે એ જે કંઈ કરે એ જરા સ્ટાઈલથી કરે છે,
પોળ, પાદર છોડી ને સી.જી. રોડ પર ચરે છે.

જ્યારથી એણે ગુલાબી ગાંધી છાપનો સ્વાદ ચાખ્યો છે,
ત્યારથી આચર-કુચર ચરવાનો ઉપક્રમ બંધ રાખ્યો છે.

ઈંટવાડાથી સાઈટના ફેરા એ કમાન્ડો લઇને કરે છે.
હમણાથી એ હોંચી હોંચી ને બદલે ફક્ત જાહેર નિવેદન કરે છે.

પછી તો એ નેતા જેવા નખરા શીખી ગયો બે-ચાર,
અને એક દિવસ ઉકરડે ચડી ને એણે કર્યો પોકાર.

કહે,
હે વૈશાખનંદનો,
આડિયું* ફગાવીને સહુ મુક્ત થઇ જાવ,
દુનિયાભરના ગધેડાઓ, એક થઇ જાવ!

ક્યાં સુધી આપણે માણસોના જુલમ સહીશું?
ક્યા સુધી આ કમરતોડ ભાર વહીશું?
હવે તો ગર્દભ અધિકાર પંચ ને અરજી કરીશું,
અને એક દિવસ આપણો હક્ક લઇ ને જ રહીશું.

અરે તુચ્છ માનવો,
અક્કલ વગરનાને તમે ગધેડો કહો છો,
વૈતરું કરનારને અમારો ભાઈ ગણો છો,
અરે, તમારું કઈક તો સ્ટેન્ડર્ડ રાખો,
હવેથી કોઈ સારા માણસને ગધેડો કહેવાનું રાખો!

પછી તો એ માગણીઓનું લાંબુ લિસ્ટ વાંચી ગયો,
સાંભળીને એક એક ગધેડો તાનમાં આવી ગયો!
કેટલાકે તો ગળાને છુટ્ટું જ મુકી દીધુ,
અને ઉચા સાદે મન મુકીને ભૂંકી લીધુ!

લીસ્ટમાં શું હતું?
હવેથી માલ અને માઈલેજ પ્રમાણે નૂર વસુલાશે,
આપણી ઉપર બેસનારની પણ ટીકીટ લેવાશે.

ડફણાથી એન્કાઉન્ટર કરનારને આપણે ઠીક કરીશું,
નહિ તો એને તો સી.બી.આઈ.ની તપાસમાં ફિટ કરીશું.

માણસના ડચકારા પર હવે અમે નહી દોડીએ,
અમારો ચારો ખાઈ જનારને અમે નહિ છોડીએ,

અમારા વિશ્વમાં અમારું જ તંત્ર રહેશે,
પોતાને ગમતી ગધેડી પસંદ કરવા માટે દરેક ગધેડો સ્વતંત્ર રહેશે.

હવેથી પહેલી તારીખે હાથમાં પગારનો ચેક હશે,
અને ધોડાની રેસમા પણ આપણો અલગ ટ્રેક હશે,

કહેવતોમાંથી આપણો ઉલ્લેખ દૂર કરાવીશું,
આપણી આગળ લટકાવેલું ગાજર દૂર હટાવીશું.

અરે 'ખર-સુતો',
'ના હું તો ગાઈશ' નો પાઠ પાઠ્ય પુસ્તકમાંથી રદ થશે,
અને હવે તો એક એક ગધેડો ભૂંકવામાં વિશારદ થશે,

હવે તો આપણને બુલંદ અવાજે ભૂંકતા નહિ કોઈ રોકી શકે,
ન તો આપણને રીવર ફ્રન્ટ પર આળોટતા કોઈ ટોકી શકે,

પછી તો વાતો, લાતો અને હાકલો ઘણી થઇ,
અને હોકારા પડકારા વચ્ચે સભા પૂરી થઇ.

એવામાં એક દિવસ એને એક મંત્રીનો ભેટો થયો,
એની સાથેની વાતચીતથી એ ઘણો પ્રભાવિત થયો.

એણે કહ્યું,મને તમારો શાગિર્દ બનાવો,
અને દર પાંચ વર્ષે ચૂંટાવાનો કીમિયો બતાવો!

નેતા કહે,
કીમિયો બહુ સરળ છે.
આ દેશની જનતા બહુ ભોટ છે જે વોટ આપીને સુઈ જાય છે,
અને એમાંજ આ બંદાનું કામ થઇ જાય છે!
દર ચૂંટણીએ એમની આગળ વચનોનું ગુલાબી ગાજર લટકાવી દઉં છું,
અને એમ ને એમજ દર પાંચ વર્ષે ચૂંટાઈ જઉં છું!

સાંભળીને એ ખર નેતા વિચારમાં પડી ગયો,
એના મગજ ઉપર પડેલો પડદો ઉપડી ગયો.

એને લાગ્યું કે માણસ બની ને ગધેડા બનવું,
એના કરતા આપણે ગધેડા જ સારા છીએ.....
આપણે ગધેડા જ સારા છીએ....
આપણે ગધેડા જ સારા છીએ....

Gujarati Jokes by Jagdish Manilal Rajpara : 111428017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now