પહેલો ઓરડો (ભાગ-૧)
આમ તો રહી પ્રેસ રિપોર્ટર ની નોકરી તો ગમે ત્યારે કામ પર જવું જ પડે. રવિવાર ના લગભગ સવારના ૯ વાગ્યા હશે ત્યાં જ સાહેબ નો કોલ આવ્યો કે બાજુમાં આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને એક સરસ આર્ટીકલ બનાવો. વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી મારા મિત્ર છે તથા ત્યાં મારી વાત થઈ ગઈ છે અને એડ્રેસ મેસેજ કરી દઉં છું. ફટાફટ નાહીં ધોઈને એડ્રેસ પ્રમાણે હુ વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. બહારથી દેખાતું દ્રશ્ય કંઈક આવું હતું કે બધા પોત-પોતાની મનપસંદ જગ્યા પર બેઠા હતા કોઇક વાતો માં મશગુલ હતું તો કોઇક પોતાના વિચારોમાં તો કોઇક ભગવાનનું નામ લેવામાં. અચાનક ઝાંપો ખુલવા નો અવાજ થતાં જ બધાની નજર ઝાંપા પર મંડાઈ એ જોવા માટે કે કોણ આવ્યું હશે. (મનમાં કદાચ એવું પણ હોય કે મને તો કોઇ મળવા નહી આવ્યુ હોય ને ?) હુ ઓફિસ ની અંદર પહોંચુ ત્યાં સુધી એ લોકો મને કુતુહલ થી જોતા રહ્યા. સંચાલક ની મદદથી ટ્રસ્ટી ને મળ્યો અને અને થોડી વાતચીત બાદ આશ્રમની મુલાકાત લેવાની મંજૂરી લીધી.
થોડું આગળ જતાં જ એક રૂમ ની બહાર ઉભો રહ્યો ત્યાં જોયુ તો લગભગ 75-80 વર્ષના માજી પોતાની પથારી માં બેસી હાથમાં માળા ફેરવતા હતા. મને દરવાજા પર ઉભેલો જોઇ તરત જ બોલ્યા "આવ ને બેટા" પછી કોણ જાણે તે કંઈક ભૂલ્યા હોય એમ આમતેમ નજર ફેરવવા લાગ્યા અને પછી પોતાના ચશ્માં પહેરીને પૂછવા લાગ્યા "તમે કોણ ? " ધુંધરી આંખે બેટા કીધું અને ચશ્મા પહેરીને તમે કોણ આ વાત ખરેખર મને વિચિત્ર લાગી. મેં તરત જ આર્ટિકલ લખવા લાવેલો કાગળ અને પેન ખિસ્સામાં મૂકીને જય શ્રી કૃષ્ણ કહીને મારો પરિચય આપ્યો અને સામે તેમને પણ મને નામ, ક્યાં ના રહેવાસી અને પોતાના કુટુંબ વિશે થોડુ કહેતા પોતાનો પરિચય આપ્યો. તેમને હવે શું સવાલ કરવા જોઈએ એ મને સમજ માં ના આવતા મેં હવે આગળ જવાનું વિચારી લીધું અને રજા માંગી હું રૂમમાંથી બહાર નીકળી ગયો.
ત્યાં જ આગળ ના એક રૂમ ના ખુલ્લા દરવાજા પર પહોંચતા એક વૃદ્ધ બોલ્યા કે "બોલો હું તમારી શું મદદ કરી શકું" તો અેમને મે મારો પરિચય આપ્યો એટલા માં જ એમના પત્ની બહાર આવ્યા. સામે જ પડેલા એક બાળકનો ફોટો જોતા મારા થી પુછાઈ ગયું કે આ કોણ છે ? ત્યાં જ તરત એ વૃદ્ધ બોલી પડ્યા કે "મારો પૌત્ર છે અને આજે એક વર્ષનો થયો" એટલા માં જ તેમના પત્ની બોલી ઉઠ્યા કે "લાગે છે ને એકદમ દાદા જેવો જ " પછી એમના વિષે પુછતા તે બોલ્યા કે બંને છોકરા પોતાની પ્રોપર્ટી વેચી ને વિદેશ જતા રહ્યા તો એમને અહીં આવવું પડ્યું આ વાત એમને એકદમ ટુંકાણ માં પૂરી કરી. મારો અહીં આવવા નો આશ્રય શું હતો એ તો હુ ભુલવા લાગ્યો હતો અને એ લોકો ની સંતાયેલી વેદના સાંભળી હુ ભાવુક બનવા લાગ્યો હતો એટલે મે તરત જ આગળ જવા નિર્ણય લીધો.
ક્રમશઃ