ગીત......
મા, તું માનસરોવરનું મોતી
સપનાં મારામાં લાખો તું જોતી
મા, તું માનસરોવરનું મોતી.
કાળજાળ ગરમીમાં તારા બે બોલનો વરસાદી મોરલો ટહુકતો,
જિંદગીના ઘેરા અંધારપટ પર જાણે સિતારો એકેક ઝબૂકતો.
થાંભલાને અઢેલી વાટ મારી જોતી
મા, તું માનસરોવરનું મોતી.
દુ:ખોના ડુંગરાઓ વચ્ચે રહીને હસતાં હસતાં બધું સહ્યું,
જિંદગીના દાખલાઓ ખોટા ગણ્યા પણ મોઢેથી કંઇ નવ કહ્યું.
સાડીના પાલવથી આંસુ મારા લ્હોતી,
મા, તું માનસરોવરનું મોતી.
સ્નેહ અને મમતાના સોનેરી પારણાં માડી તારા હૈયામાં ઝૂલે,
હાડકાનું ખાતર ને લોહીનું પાણી, દુનિયા ઉપકારો કેમ ભૂલે ?
મેં પ્રભુને લીધા છે ગોતી
મા, તું માનસરોવરનું મોતી.
- હસમુખ ના. ટાંક "સૂર"
જરગલી
તા: ગીર ગઢડા
જિ: ગીર સોમનાથ