સાવ નોખી ભાતના અંદાજ ક્યાંથી લાવો છો?
શાંત જીવનમાં તમે તોફાન ક્યાંથી લાવો છો?
જિંદગીએ આખરે કંટાળી કીધું કાનમાં,
રોજ ઊઠીને નવા અરમાન ક્યાંથી લાવો છો?
બસ તમારી આંખમાં જોતા જ વિંધાયા અમે
પાર્થ જેવું તીરનું સંધાન ક્યાંથી લાવો છો?
ઈશ્વરે તો પળ બધી #આનંદ ની આપી હતી,
પણ પળેપળમાં તમે સંતાપ ક્યાંથી લાવો છો?
નાક નકશો ચાલ ચલગત તો બધા જેવી જ છે,
તો પછી ખુદમાં તમે અલગાવ ક્યાંથી લાવો છો?
#આનંદ