મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’