પ્રતિક્ષા હોય જેની, એજ આવી જાય તો કેવી મજા આવે !
વળી, એનેય મારી સાથે ફાવી જાય તો કેવી મજા આવે !
કે હું એનો જ છું એનો, ફકત એનો જ છું એવો કરે દાવો !
અને સજ્જડ પુરાવો પણ બતાવી જાય તો કેવી મજા આવે
કિનારે સ્થિર બેસીને, સમંદરને નિહાળું ને અચાનક ત્યાં
કોઈ મોજું બની આવે, વહાવી જાય તો કેવી મજા આવે !
મને મળવા તો આવે છે અને વાતો કરે છે રાત આખી જે
એ સપનાને હકીકત પણ બનાવી જાય તો કેવી મજા આવે...