દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે
રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે
ખફા થાશો નહીં આતો તમારો પ્યાર બોલે છે
નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે
પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે
તમે મોજુદ છો ઘરમાં કરો દિવાર બોલે છે
તમારી યાદ આવે છે મનોમન વાત થાયે છે
હું સાંભળતો રહું છું ને હૃદય ધબકાર બોલે છે
ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝીર
જે સારા હોય છે એના બધાં સંસ્કાર બોલે છે