જ્યારે લાગે તને કોઈ નથી મારું, ત્યારે દોડી આવજે,
જ્યારે સતાવે તને જ દર્દ તારું, ત્યારે દોડી આવજે !!
સપનાં સેવ્યા ઘણાં, ને ઉજાગરી વિતાવી હશે રાતો તે પણ,
જ્યારે કોઈ સપનું અધૂરું રહી જાય, ત્યારે દોડી આવજે !!
સુખ, દુઃખ અને ચિંતા વચ્ચે જવાબદારીના પોટલાં છે અપાર,
જ્યારે પ્રેમ જેવું કંઈ હૈયે ઉભરાય, ત્યારે દોડી આવજે !!
ઝંખી છે મેં પણ તને વર્ષોથી, જોઈ છે રાહ તારી પળ પળની,
જ્યારે વેદના મારી તને સમજાય, ત્યારે દોડી આવજે !!
ને હું પણ સાવ પાગલ છું, બસ તારો જ પ્રેમ પામવા માટે,
જ્યારે તારામાં પણ થોડું ગાંડપણ વર્તાય, ત્યારે દોડી આવજે !!
આજે ખુલ્લા હશે સફળતાનાં દરવાજા તારા માટે કેટલાય,
જ્યારે કોઈ બારણું બંધ થઈ જાય, ત્યારે દોડી આવજે !!
દુનિયાની વાહવાહીમાં, મારો અવાજ ક્યાંક દબાઈ જતો હશે,
જ્યારે અવાજ અંતરનો તને સંભળાય, ત્યારે દોડી આવજે !!
- નીરવ પટેલ "શ્યામ"
Date : ૨૬/૦૪/૨૦૨૦
Time : ૧૨:૪૦ AM