આ બજારે ઝાઝું તો ફ્રીમાં મળે છે,
આંખ સાથે આંસુ તો ફ્રીમાં મળે છે.
તું ફકીરી શ્વાસને લઇ આવ કેવળ,
ચોતરફ અજવાળું તો ફ્રીમાં મળે છે !
હોય ત્રેવડ જીતવા સુગંધને, તો –
ફૂલનું રજવાડું તો ફ્રીમાં મળે છે.
વેંત કેવળ એક અફવાનો કરી લે,
આગ આજુબાજુ તો ફ્રીમાં મળે છે!
ના ભરોસો હોય તો તું ખાતરી કર,
વ્હોર પીડા ; ચાઠું તો ફ્રીમાં મળે છે.
ખૂબ કિંમત ચૂકવી છે ક્વોલીટીની,
દર્દ બાકી ચાલુ તો ફ્રીમાં મળે છે!
હું ખરીદું સ્વપ્ન ,ટૌકા ,પીડ ,પડઘા;
નામ સાથે તારું – તો ફ્રીમાં મળે છે!
એમ જાણી ચોરણી ના સીવડાવો,
ચાલને ભૈ ,નાડુ તો ફ્રીમાં મળે છે!!
– હેમંત ગોહિલ ‘મર્મર’
#કિંમત