#જન્મ
કોર્ટરૂમની બહાર નીકળતી વખતે શ્વેતાનો આનંદ સમાતો નહોતો. એની જીતની ખુશીએ એનામાં રોમાંચ ભર્યો હતો. પાંચ વર્ષની મહેનત પછી આજે તેને ખરી મુક્તિ મળી. એ આનંદની લાગણી અનુભવતી ગાડીમાં બેસી અને થોડીક ક્ષણો પછી તેનુ મન અતીતમાં ખોવાયુ.
આજે તે શહેરની ખ્યાતનામ સાયકિયાટ્રિસ અને મોટીવેશનલ સ્પીકર છે. પણ આજથી છ વર્ષ પહેલા એના ખોળામાં જયારે એનો પૂત્ર અનુપ આવ્યો એ પળે અનુપ ના જન્મ ની સાથે શ્વેતાના જન્મની પ્રક્રિયાનો જાણે અજાણે આરંભ થયો.
અનુપના જન્મનાં એક વર્ષના અંત સુધીમાં શ્વેતા આખેઆખી બદલાઈ ગઈ. નિષ્પ્રાણ શ્વેતામા જાણે પ્રાણ
ફૂંકાયા. મડદૂ અચાનક સજીવન થવા લાગ્યુ. કોરીધાકોર આંખોમાં નવા સપના પૂરાયા. એના નિરર્થક જીવનને એક અર્થ મળ્યો. અશક્ત બનેલી અબળા ધીરે ધીરે સબળામાં રૂપાંતરિત થવાં લાગી. તેનુ સ્ત્રીત્વ સપાટી પર આવવા લાગ્યું.
તેનો વિદ્રોહી સ્વભાવ તેને વિદ્રોહ તરફ દોરવા લાગ્યો અને જાણે કે શ્વેતાના શાંત જીવનમાં એક પથરો ફેકાયો અને વમળો સર્જાયા. તે અનેક પ્રશ્નોથી ઘેરાઈ અને તેનાં જવાબો
શોધવા મથી રહી.
ધીરજ સાથેના લગ્નજીવન પહેલાનું તેનુ જીવન તેને સાદ પાડવા લાગ્યું. તેને લગ્ન જીવનનાં બોજ અને બંધન કરતા લગ્ન પહેલાની મુક્તિની ઝંખનાઓ ઝંઝોળવા લાગી. તે માતા પિતાનુ એક માત્ર સંતાન હતી. તેનો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો હતો. તેના માતા પિતા પ્રેમાળ, ઉદાર, શિક્ષિત અને ખાનદાન હતા. તેના પિતા ગુજરાતીના શિક્ષક હોવાની સાથે સાહિત્ય રસિક પણ હતા. અને માતા મજબૂત મનોબળવાળા, સાહસિક, બુદ્ધિમાન અને ધાર્મિક સ્ત્રી હતા. આ બંનેના શોખ અને ગુણ શ્વેતામા ઉતર્યા હતા.
શ્વેતા પણ સુશીલ, સંસ્કારી અને બૌદ્ધિક હતી. તે સ્કૂલમાં અને કોલેજમાં ટોપર હતી. તેને વાંચનનો ગાંડો શોખ. સ્કૂલમાં અને કોલેજમાં તે ઇત્તર પ્રવ્રૂતિમાં મોખરે હતી. નાટક, ડીબેટ વાર્તાલેખન, એન્કરીંગ, વકતૃત્વ સ્પર્ધા વગેરેમાં તેણે અનેક ઈનામો જીત્યા હતા. તે સ્વતંત્ર, નિખાલસ અને જીવંત વ્યક્તિ હતી. પણ ધીરજ સાથેના લગ્નજીવને એની પાસેથી જાણે બધું જ છીનવી લીધું.
ધીરજ સાથેના લગ્નજીવનમાં જાણે શ્વેતા મરી ગઇ હતી. શ્રીમંત ઘરની પુત્રવધૂ ગણાતી શ્વેતાનો પરીવાર પૈસાથી જેટલો અમીર પણ સંસ્કાર અને સમજદારીમા એટલો જ
ગરીબ હતો. શ્વેતા પળ પળ મરી રહી હતી. તેની હાલત સોનાના પાંજરામાં પૂરાયેલ પંખી જેવી થઈ ગઈ હતી. ધીરજ તેને સમજતો ન હતો એને સહકાર આપતો ન હતો. વારંવાર નો ગૃહક્લેશ અને સાસુ દ્વારા મારવામાં આવતા પિયર પક્ષના
મહેણાં શ્વેતાને ઝંઝોળી મૂકતા. ધીરજનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. કેટલીક વાર તે હાથ ઉપાડી દેતો અને ગાળાગાળી કરતો. શ્વેતાને એ ઘરમા શ્વાસ લેવાની પણ સ્વતંત્રતા નહોતી. તે એક કઠપૂતળી હતી જેને બીજાઓની ઈચ્છાથી નાચવું પડતુ. અને ધીરજ ને દરેક સમસ્યામાં શ્વેતાનો વાંક દેખાતો. તેની સમજ કે બુદ્ધિ એટલી તીવ્ર નહોતી કે તે સમસ્યાઓના મૂળ સુધી જઇ દરેક પાસાની ચકાસણી કરી શકે. આમ અજ્ઞાની ધીરજ અને તેના પરીવારે શ્વેતાને જીવતી લાશ બનાવી દીધી.
સમય જતાં અનુપના જન્મ સાથે શ્વેતાનો પુનર્જન્મ થયો. તેનામાં ચેતના આવી. તેની જાત સાથેના પ્રશ્નોનું સમાધાન થયું. જીવનને દિશા મળી. તેને નક્કી કર્યું કે તે પોતાના પુત્રને ધીરજ જેવો ન બનાવી શકે કે જે સ્ત્રીનુ અપમાન અને અવહેલના કરે. તેનુ હ્રદય કે પીડા ન સમજે. આમ મનમાં ઉદૂભવતા પ્રશ્નોના જવાબરૂપે તેણે છૂટાછેડાનો નિર્ણય લીધો.
અને આજ પાંચ વર્ષ પછી તે કેસ જીતી ગઈ. અને અનુપની કસ્ટડી તેને મળી.