આંખથી આંખ મળી તમશુ પિયુજી!હું તો ભૂલી સુધ બુધ
કયા રે બહાને તમને ફરીથી મળવું? નથી પડતી કંઈ સૂઝ
નયનનાં તીરના કામણ કીધાને, વાક્ચાતુર્ય તો અમોંઘ
કેડે પાતળિયો, એ પણ મોહ્યો, બની ગયો પ્રેમાંધ
પ્રથમ દ્રષ્ટિએ જ મેં તુજને માન્યો સપનાનો માણિગર
સેવ્યા પિયુજી!તુજ સંગાથે મેં તો શમણાંઓ અનેક
પામી તમોને ભરથાર, કરીશ ભવસાગર પાર
હૈડે મુને છે હામ, મનોકામના પૂર્ણ થઈને, ખુશી છે અપાર
વાલમ મારો હાથ કદીયે છોડશો ના લગાર
પામી તમોને ધન્ય બની હું સપનાના રાજકુમાર
મિતભાષી ને ધીર ગંભીર બોલ્યા પ્રાણજીવન.
સાંભળ વ્હાલી મુજને પણ તુજ સંગ પ્રીત છે પારાવાર
નિશદિન સ્નેહની સરવાણી ને વાલમનો સંગાથ
સપ્તપદી ની સાક્ષીએ માગ્યો આપણો ભવોભવ નો સાથ