પ્રતિક્ષા
પ્રતિક્ષાની કેડી ખૂબ લાંબી...રોજ રોજ ઈંતજારની દીવાલ પર
ધીરજની ઈંટ મુકતા મુકતા હ્રદય પર નિરાશાની રજ છવાતી
જાય છે .સવાર પડે ને આંખ ખૂલતા જ તારો હસતો ચહેરો
નજર સમક્ષ તરવરી ઉઠે છે...ને જાણે મારા કાનમાં ધીમેથી
કહે છે કે,થોડીવાર બસ થોડીવાર રાહ જો ..! અને તને મળવા
-ની આશમાં, તારી સાથે વાત થશેની આશમાં એક નવો દિવસ
જન્મ લે છે..એક આશા બધી નિરાશા ખંખેરી નાખે છે..આ જ
આશા ના સથવારે એ જ આશાના તાંતણે મારી અડધી સવાર
પસાર થાય છે ! ! વચ્ચે વચ્ચે કામ કરતા કરતા તારામાં જ
પરોવાયેલુ મારુ ચિત્ત ઘડીએ ઘડીએ તારી હાજરી ચકાસ્યા
કરે અને ત્યાં નિયત સમયે તારુ આગમન થતા,મારા ચિત્તમાં
એક અજબનો સંતોષ છવાઈ જાય છે !
ઘણીવાર માત્ર આપણી હાજરીને કોઈ કેટલી તીવ્રતાથી
ઝંખતુ હશે ...કલ્પના કરી છે ? આ ઉંડા સ્નેહની ...તારા અને
મારા જૂજ સમયમાં રચાતા સંવાદો મારા કમજોર મનને તારા
પ્રત્યેની ઊંડી લાગણીનો અને તારા તરફથી મારા તરફનો
અપાર સ્નેહની પૂર્તિ કરી જાય છે ! ફરી તારુ અને મારુ છુટુ
પડવું .અને ફરી મારુ ચિત્ત તારા નામની માળા જપે છે !ફરી
એ જ પ્રતિક્ષાના ચગડોળે ...ચિત્ત ભમે છે ...હું બધુ જ કરુ
છુ..બધી જ ફરજ નિભાવુ છુ ,બધુ જ કામ કરુ છુ ..ફક્ત
તને મારા હ્રદયમાં રાખી ને ! એક જીજીવિષા એટલે તું !
તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત વચ્ચે આ રાત્રિના અંધકારો ..
દિવસના કલાકો..!
થઈ શકે તો એ સમયની પળને એક વિનંતી કરવી છે કે
જ્યારે તારી અને મારી પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે એ થંભી
જાય ! તારા સાનિધ્યમાં મળતા સુકુનનો કોઈ પર્યાય નથી .
અને ફરી ફરી ને આ આતમ ફરી તારી પ્રતિક્ષાના ફેરામાં
અટવાતો જશે !
કદાચ મારી જિંદગીનુ એક સત્ય
તું અને તારા મિલનની પ્રતિક્ષા
એ જ પ્રતિક્ષાના ફેરા એટલે
મારો તારો આ પ્રેમ.