ક્યારેક આવું પણ બને.....
***************
આજે સવારે સવા નવ વાગ્યે ડોરબેલ વાગી.
લોકડાઉનના સન્નાટામાં ડોરબેલ વાગી તેનાથી ડોરબેલને પોતાને ભલે ઘણા દિવસે વાગવાનો આનંદ
થયો હશે, પણ અમને બધાંને ખૂબ નવાઈ લાગી.
કુદરતે માણસો પર હળવા-મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે તેની
આગંતુકને ખબર નહીં હોય ? પહેલો તો મને એવો જ વિચાર આવ્યો.
સાક્ષાત કોરોના પોઝિટિવ ઘરમાં ઘૂસી ના જાય તેવી પાકી તકેદારી સાથે
મેં જિંદગીમાં કોઈ દિવસ રાખી નહોતી એટલી સાવચેતી રાખીને ચપટીક
દરવાજો ખોલ્યો.
ઘરનો દરવાજો ખોલતાં કાયમ આનંદ જ થયો છે કારણ કે કોઈને આવકારો આપવાનો હોય છે,
આજે કોરોનાને જાકારો આપવાનો હતો એટલે દરવાજો ખોલતાં દહેશત થતી હતી.
પોતાના ઘરનો દરવાજો ખોલતાં બીક લાગે એવું તો સ્વપ્નમાં પણ માણસજાતે નહીં વિચાર્યું હોય.
ખેર, એક કર્મચારી ભાઈ હાથમાં રજિસ્ટર લઈને ઊભા હતા. મોઢા પર માસ્ક હતું અને માથા પર ટોપી.
પરિધાનથી ખ્યાલ આવતો હતો કે કોર્પોરેશનના મેડિકલ વિભાગના કર્મચારી છે.
એક- બે મિટર દૂર ઊભા રહીને ધીમેથી બોલ્યા...પોઝિટિવ ?
મેં કહ્યું હા.. પોઝિટિવ. માત્ર પોઝિટિવ.
તેમની આંખોમાં મારા માટે સહાનુભૂતિનાં વાદળ ઉમટ્યાં.
મને કહે, પોઝિટિવનું પૂછ્યું તો અહીં ઘણાએ તમારું નામ આપ્યું. એપ ચેક કરી તો તેમાં પણ પોઝિટિવ લખીએ છીએ તો તમારું નામ આવે છે..
મેં ગાૈરવથી કહ્યું, મને તેનો આનંદ છે..
એ નવાઈ પામ્યા. ઝંખવાયા. બોલ્યાઃ તમે પોઝિટિવ થઈને ખુશ થઈ રહ્યા છો.. ?
હું થોડુંક હસ્યો.
મને કહે, ક્યારથી પોઝિટિવ છો ?
મેં કહ્યું આમ તો જન્મથી જ પોઝિટિવ છું. આ દેશની સંસ્કૃતિએ અને મારાં માતા-પિતાએ મને તેનો જ વારસો આપ્યો છે.
પણ 2013થી પાકો પોઝિટિવ થયો છું..
એ ભાઈ હસીને બોલ્યા, મોટાભાઈ, મજાક ના કરો. 2013માં તો કોરોના હતો જ નહીં તો તમે કેવી રીતે પોઝિટિવ થાવ ?
મેં કહ્યું, નાનાભાઈ, તમે જે પોઝિટિવની વાત કરો છે એ પોઝિટિવની વાત હું કરતો નથી. તમે કોરોના પોઝિટિવની વાત કરો છે, પણ હું તો જીવનના પોઝિટિવ અભિગમની વાત કરું છું. તમારી ગેરસમજ થઈ છે. હું પોઝિટિવ ખરો, પણ કોરોનાવાળો નહીં, કરુણાવાળો, સમાજ-માંગલ્યવાળો, સંવેદના અને શ્રદ્ધાવાળો, આશા અને સંભાવનાવાળો, પ્રેમ અને પરગજુપણાવાળો, આનંદ અને શાંતિવાળો...
એ ભાઈ મને શાંતિથી સાંભળતા રહ્યા એટલે મને સારું લાગ્યું.
તેઓ બોલ્યા, હું એકદમ ખોટી જગ્યાએ આવી ગયો.
જતાં જતાં તેઓ બોલ્યાઃ સાહેબ, ભલે હું ગેરસમજથી અહીં આવ્યો હતો, પણ એક સાચી સમજ લઈને અહીંથી જાઉં છું.
મેં કહ્યું, કઈ સમજ ?
તેઓ બોલ્યા.. જો જિંદગી માટે પોઝિટિવ અભિગમ હોય તો સમાજથી કોરોના પોઝિટિવ છેટો જ રહે... સમાજે કોરોના પોઝિટિવને હરાવીને
જીવનમાં પોઝિટિવ અભિગમને ઓરો (નજીક-પાસે) લાવવાની જરૃર છે.
તેમને વિદાય કરીને દરવાજો બંધ કરતાં મને પ્રશ્ન થયોઃ
શું સમાજ જોખમી અને ખોટા પોઝિટિવને હરાવીને મંગલકારી અને સાચા પોઝિટિવને સ્વીકારશે ?
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475, અમદાવાદ)