ભાઈના જુના પેન્ટમાંથી બનાવેલ કબજાના ઉપરના ખિસ્સામાં ફોન ક્યારનો કંપી રહ્યો હતો.સોનલ પાણીયારાની જેમજેમ નજીક જતી હતી તેમ તેમ તરસ ઓલવાઈ જતી હતી. માથે માટલું હોવા છતાં ગમે ત્યાં બેસીને પી નહોતી શકતી.પાણીયારા સુધી પહોંચવાનો નિયમ હતો.ખૂબ સંભાળીને એણે માટીનું જમ જમ જમતું માટલું સિમેન્ટના બનાવેલા વાડકા પર મુક્યું,એને થયું કે મૂકેલું માટલું પાલે ને પાલે આખું પી જાઉં, પણ એમ કંઈ થોડું પીવાય?
"પાણિયારે મોર મૂકી રહી હોય તો છાણનું તગારુય ભરી આય તો શરીર થોડું થાકે તો રાતે જરીક ઊંઘ આવે,આ આંગણું આખું હું એકલી નથી લીંપવાની યાદ રાખ." સોનલની બા આંગણેથી ટ્ટહુકો કરીને બોલી.
સોનલ એક જ શ્વાસે આખું પાલું ઉતારી ગઈ,પગ પછાડતીક ને નીકળી.હજુ તો માંડ આંગણામાં આવીને જૂતા પગમાં નાખ્યા હશેને ધડીમ દઈને અવાજ આયો, રેલો પાણિયારેથી આંગણામાં માટી ચોળતી બા ના પગ સુધી આવ્યો. સોનલ કબજાના બટન ટાઇટ કરતી ત્રાંસી આંખે જોઈ રહી હતી. માટલું ફૂટીને ઘર પાણી પાણી થઇ ગયું હતું.