સાવ ખાલી રસ્તા, ન કોઈ ભીડ,
ના પુલ પરનો લાં..બો ટ્રાફિકજામ,
ન સતત વાગતો પેલો કર્કશ હોર્ન,
ન લાલ બસ કે ન લિલી-પીળી રીક્ષા,
ન રીક્ષા કે બસની પાછળ ભાગતું કોઈ
ચોતરફ ખાલી શાંતિ ને નર્યો સન્નાટો.
આ ખાલીપો કેટલો અખરતો હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે !
ચારરસ્તે જામતી પેલી નવરાઓની બેઠક,
'ચા' ની ચુસ્કી સાથે દેશ-વિદેશની વાતો,
બાંકડા પર છેડાતી એ ચર્ચા-દલીલો,
નજીવી બાબતમાં થતી લાંબી તકરારો,
પેલા શાકભાજીવાળાની ક્રિએટિવ બૂમો,
ડુંગળી લાયો... બટાટા લાયો .. ટામેટા લાયો ..
ને પેલાં ભંગારીયાની વિચિત્ર એવી બૂમો,
ભંગારી .... આયો .... ભંગારી ...
આ બધા વગર કેમ દિવસ જતો હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે !
પેઢીઓની પેઢીઓ બદલાતા જોઈ હશે,
લેંઘા-ઝભ્ભાને જીન્સ-ટીશર્ટ થતા જોયું હશે,
રસ્તાઓની વચ્ચે પુલો બનતા જોયા હશે,
ક્યાંક રમખાણો તો ક્યાંય માનવતા જોઈ હશે,
પણ આ શહેરે કદી આવુ નહીં જોયું હોય,
કે, બે હાથ ખોલી દિલથી આવકાર્યા જેને,
એ 'આવજો' કહેવા પણ નથી રહ્યા એને !
ચાલી ને પોળમાં સાથે જ રાખ્યા જેને,
એ કેટલાક છોડીને ચાલ્યાં ગયાં છે એને !
આ બધાય વગર કેમ કરીને ફાવતું હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે!
- અરવિંદ