Gujarati Quote in Blog by Harsh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'લોકડાઉન', આ શબ્દનો ૨૪ માર્ચના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નમોના મુખે પરિચય થયો હતો. શરૂઆતમાં લોકડાઉનની શબ્દરચનાથી એમ લાગતુ કે, જાણે જનતારૂપી વિદ્યાર્થીઓને સરકારરૂપી આચાર્યએ અનન્ય સજા ફટકારી હોય. પરંતુ જેમજેમ આ લોકડાઉનના દિવસો પસાર થતા ગયાં એમએમ આ સજા એ, મજામાં રૂપાંતર થતી ગઈ અને એવા એવા પ્રસંગો અને ઘટનાઓની હારમાળા પરોવાતી ગઇ કે, ક્યારે આ સજારૂપી લોકડાઉન એ આપણા સહુના જીવનનો એક અવિસ્મરણીય તબક્કો બની ગયો તેની કોઈ અનુભૂતિ જ ના રહી.
લોકડાઉનની શરૂઆતમાં તો આપણી જાગૃત જનતાએ પોતાની તથા સ્વજનોની સ્વાસ્થ્યની કાળજીનું બીડું ઉપાડયું. થોડાક દિવસોમાં જ સૌએ સ્વાસ્થ્ય કાળજીના કાર્યમાં વિવિધ નુસખાઓ જેમકે ઉકાડા, સાત્ત્વિક ભોજન, વ્યાયામ, યોગ, આદિ અજમાવીને નિપુણતા કેળવી લીધી. અને પછી શું? આપણી જનતા જો એક કાર્યમાં નિપુણતા કેળવીલે પછી તો વિવિધ કાર્યોમાં નિપુણ થવાની એમની ભૂખ વધતી જ જાય છે. સૌએ તબક્કાવાર સ્વયંની અંદર શાંત રહેલા કલાકારને જાગૃત કરવાનું બીડું ઉપાડયું. સહુની આ છુપાયેલી પ્રતિભાને બહાર પ્રગટ કરવા સોશિયલ મીડિયા એ એક મુખ્ય માધ્યમ બની રહ્યું. કોઈક ઘરોમાં લોકો એ પોતાના સ્વજનમાં વર્ષોથી શાંત રહેલા સંગીત કલાકારની અનુભૂતિ કરી, તો કોઇકે સ્વજનના હસ્તે સ્વાદિષ્ટ વ્યંજનની મિજબાની માણવાની તક મેળવી. આમ સહુએ મધુરપળોની વિવિધતા અને મીઠાશ માણી.
આમ જ્યાં સમગ્ર વિશ્વમાં લોકો આ લોકડાઉનને અવનવી કલાત્મક રીતથી યાદગાર બનાવી રહ્યાં હતાં એવામાં નવ દાંપત્યજીવનમાં પગલાં માંડી યાત્રા આરંભ કરનાર હું અને મારી ભાર્યાને પણ હાટકેશ દાદાની કૃપાથી એક અવિસ્મરણીય પળ અનુભવ કરવાની તક મળી. લોકડાઉનમાં રેડઝોન તરીકે જાહેર થયેલ અમદાવાદથી ૧૫ માર્ચના રોજ મારાં નાના નાની વાપીમાં રહેતા મારા મામા મામીને ત્યાં અઠવાડિયું હવાફેર કરવાં આવ્યાં. તેઓને ક્યાં કંઈ ભાળ હતી કે અઠવાડિયાનો એમનો હવાફેર કેટલા મહિનાનું સ્થળાંતર થઈને રહેશે. અચાનક જ મામા મામીને લોકડાઉનના પ્રથમ તબક્કાની મધ્યે જ કચ્છ જવાની ફરજ પડી. એવામાં હવે વડીલ નાના નાનીને એકલા કેમ મુકાય? એ પ્રશ્ન સહુ માટે ખૂબ ચિંતાજનક બની રહ્યો હતો. જોગાનુજોગ અમારું રહેઠાણ વાપી નજીક આવેલ કુદરતી સૌંદર્યના ખોળામાં ધમધમતી કેમિકલ કંપની અતુલ લિમિટેડની ટાઉનશીપમાં હોવાથી નાના નાનીને અતુલ ખાતે લઈ આવવાનું નક્કી કર્યું. સ્વભાવિક છે કે, વડીલ હોવાથી નાના નાનીના મનમાં નવપરણીત યુગલના ઘરમાં રહેવાથી કોઈને તકલીફ તો નહીં પડેને? એવા અનેક વિચારો પ્રસરી રહ્યાં હોવાથી તેઓ અહીં આવ્યા ત્યારે ખૂબ સંકોચ સાથે જ મુંઝવણમાં હતાં. પરંતુ તેઓના વિચારોથી વિપરીત અમારે ત્યાં તો જાણે પ્રસંગ આવ્યો આંગણે તેમ હતું. આજની ભાગતી દોડતી જીવનશૈલીમાં વયોવૃધ્ધ વડીલ નાના નાની સાથે રહેવાનો અવસર તે એક અદ્ભુત તક બની અમને મળ્યો. દોહિત્રવધુના હાથે બનેલી નિત નવીન વાનગીઓ જેમકે અપમ, નાચોસ, પૂડલા વગેરે અને તેમની સાથે રાતે અલકમલકના વાર્તાલાપ સાથે ભોજનનું છેલ્લું પિરસણ 'કર્મી કોડિયો' મા ઠંડાઈ કે કોલ્ડકોફીની જુગલબંધીથી પસાર થયેલ અકલ્પનીય અને રમણીય સમય ની ક્ષણો તેમને એટલી યાદગાર રહી ગઈ કે તે, તેમના ચેહરા પર સતત ઝળહળતાં સ્મિતથી દેખાઇ આવી રહ્યું હતું.
વડીલોના મુખ પર ઉભરાઈ રહેલાં સ્મિત અને સંતોષ એ અમારા જીવનનું ખૂબ મોટું આશીર્વાદરૂપી પ્રમાણપત્ર બની ગયું અને એ અમારા જીવનને અવિરત શોભાવ્યાં કરશે. આમ વડીલો સાથે વિતેલો સમય એ લોકડાઉનનો મારો શ્રેષ્ઠત્તમ અનુભવ હોઇ સદાય માટે યાદગાર રહેશે અને આવા અનુભવો નિરંતર થયા કરે તેમ જ સહુ સ્વસ્થ રહે તથા સમગ્ર વિશ્વ આ કોરોનારૂપી આપદામાંથી મુક્ત થઈ પુનઃ સોળ શણગાર સજે તેવી માં આશાપુરાને અભ્યર્થના સાથે વીરમી, સહુંને જય હાટકેશ.

Gujarati Blog by Harsh : 111403393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now