કલા
વરસો પૂર્વે ચોખા ના પાપડ બનાવવા અને સુકાવવા એ મોટો સમારંભ રહેતો . પૂરતા આયોજન સાથે મારે અને માં એ પાપડ બનાવવાનું નક્કી થયું એમાં હું હેલ્પર . ઘર ના રોજિંદા કામો ની સાથે આ વધારાનું કામ હોવાથી માં એ મળસ્કે ૪ વાગ્યા થી કામ શરુ કર્યું છતાંયે સૂર્ય ના તાપ સાથે કદાચ તાલ મિલાવવામાં ચુકી જશું એ ગણતરી એ માં એ મને બાજુવાળા બહેન ને મદદ માટે બોલાવવા કહ્યું. સુગઠિત બાંધાવાળા, શ્યામ વર્ણ, હસમુખા એવા મારા પાડોશી બહેન નામ એમનું કલા . કલાબહેને મદદ માટે તરત હા ભણી અને હાજર થયા . પોતાના સવાસુરિયાં ૩ બાળકો સાથે.
માં એ એક મિનિટ વિચાર્યું પણ બાળકો સાથે અગવડ અને સગવડ ને ત્રાજવે તોલી લીધા . બાળકો એ કરેલા નજીવા નુકસાન સાથે કામ સુપેરે પાર પડ્યું. હું માં અને કલાબહેન નો સંબંધ થોડો વધારે ગાઢ બન્યો. તરત જ બીજા દિવસે એક ઘટના ઘટી. દસ વર્ષ ના વયે મારુ નાનકડું મગજ કાંઈ સમજી નહોતું શકતું . નાના ગામ માં પાડોશી એટલે લોહી ના સંબંધ થી પણ નજીક ની વ્યક્તિ ગણાય . માં નો ચેહરો પણ નારાજ હતો. સમાચાર shocking હતા . કલાબહેન એમનાથી દસ વર્ષ નાના યુવક સાથે ભાગી ગયા . સાંજ સુધી એ સમાચાર હવા માં જાણે ધુમ્મસ જેવા લાગતા હતા. મેં માં સામે જોયું કે માં કઇંક બોલશે . માં એ જમાના થી વિરુદ્ધ કલાબહેન નો પક્ષ લીધો. કલાબહેન નાનપણ થી અનાથ . દૂર ના મામા મામી પાસે ઉછર્યા . ચેહેરે મોહરે આકર્ષક ને ગરીબી માં આગળ વધતું જીવન . પસંદગી ના હક સિવાય ગોર મહારાજ સાથે ગોઠવાયેલ લગ્ન, ત્યાર પછી ની ઉપરાછાપરી ત્રણ બાળકો ની જવાબદારી . કલાબહેન ના સતત લીલા રહેતા ઘાવો પર ક્યારેય મલમ ચોપડાયો નહોતો. ના કોઈ ઠંડી ફૂંક મારી ઘાવ ને પસવારતું.ભૂલો ની મહત્તમ સંભાવનાઓ વાળું જીવન.માતા પિતા ની છત્રછાયા વગર ઉછરેલા યૌવન ની ભૂલો કરવી , સંતાડવી કે છાવરવી બધું જ સ્વયમહસ્તક . થોડા મહિનાઓ પછી ઘટના એ લીધેલો વળાંક : કલાબહેન ,એમના પતિ ,જેની સાથે ભાગી ગયા હતા એ યુવક અને ત્રણ બાળકો નજરે પડ્યા ડ્રોઈંગ રૂમ માં TV જોતા. શીર્ષક એક થી વધારે હોઈ શકે : ત્યાગ, અનુકૂલન ,સહૃદયતા ,સ્વચ્છન્દીપણું કે પછી કલા .
-મનીષા
#કલા