નવી ગઝલ
મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું.
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.
બ્હાર ટંકાવ્યાં હતાં એ ક્યારનાં તૂટી ગયાં,
બસ ટક્યું એક જ બટન, જે માએ ટાંકેલું હતું.
કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો,
આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું.
માત્ર ઝભ્ભો હોત તો પ્હેરત નહીં ક્યારેય હું,
ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું.
ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે;
જે તમે જોયું હતું એ દૃશ્ય માંજેલું હતું.
જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો,
ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું.
શ્વાસ સરખા થાય ત્યાં લગ રાહ જોવાની હતી;
મારી પાસે પ્હોંચ્યું તું એ સત્ય હાંફેલું હતું!
~ અનિલ ચાવડા
#anilchavda #shayar #shayari #kavita #poet #poetry #gujarati #literature #kavianilchavda