નવું ઝાડું ! . . .
ઝાડું જેવી વસ્તુ પણ હાસ્યવ્યંગ્ય તથા #આશ્ચર્ય થી ભરપૂર હોય છે.
નવા ઝાડું સાથેનાં સ્વાનુભવ માંથી કંઇક લખવાનો પ્રયત્ન કર્યો છે.આવા તણાવભર્યા વાતાવરણમાં આ વાંચીને થોડે અંશે તમે હળવાફૂલ થાવ, તો ભયો ભયો!
નવા ઝાડું નો પોતાનો જ કચરો એટલો નીકળતો હોય,જેટલો આખા ઘરનો પણ ન હોય.બીજા શબ્દોમાં કહું,તો આ નવું ઝાડુ આપણા કામમાં વધારો કરે એ વાત નક્કી! આજ રીતે ઘણી બધી વસ્તુ અને વ્યક્તિ સાથે તેનું સામંજસ્ય રમૂજ પમાડે તેવું છે.
-> આપણા નેતાઓનું (બધા નહીં) પણ એવું જ છે,એ પોતે જ એટલાં મેલાં અને ચરિત્રહીન હોય કે 'સ્વચ્છતા અભિયાન'ના કાર્યક્રમમાં લઈ જાઓ તો,ગંદકી અને તેમની વચ્ચે જાણે કે હરીફાઇ થઇ ગઇ હોય એવું લાગે!
આવા નેતાઓ ની ઉપયોગીતા દેશ માટે શું હોવાની,એના પર મોટો પ્રશ્નાર્થ છે.
-> તમારી આસપાસ નજર નાખશો તો એવી વ્યક્તિઓ જરૂર તમને મળશે કે જેઓ બીજાનું કામ વધારવામાં નિષ્ણાત હોય છે. આવા નિષ્ણાતોને કામ સોંપતા તો સોંપી દઈએ, પણ થોડા સમય પછી ખબર પડે કે સાલ્લું ! આ તો આપણું કામ વધારી દીધું.
-> વર્તમાનમાં આ કોરોનાની કમઠાણ ને જ જોઈ લો! ભારતમાં આ નવા ઝાડું નું સ્વરૂપ એટલે તબલીઘી જમાત. પહેલા તો બધા ભેગા થયા અને પછી આખા ભારતમાં ફેલાયા, ફળસ્વરૂપે ભારતમાં કોરોનાએ પૂરજોશમાં માથું ઊંચક્યું.
-> લોકડાઉન દિવસોમાં હું પણ આમાં સામેલ થઈ ગયો. ઘરે શું કરવું એવા વિચારે મારી માતૃશ્રી ને રસોઈ બનાવવા અથવા તો એમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સાંભળીને મારી વહાલસોઈ માં નાં હાંજા ગગડી ગયા.
એને હું એક નવા ઝાડું નો સાક્ષાત અવતાર લાગવા માંડ્યો! પોતાનું ફરજંદ! એટલે બાપડી કરે પણ શું? એના મુખારવિંદ પર નિસાસો નાખવાનું પ્રમાણ મને મળી ગયું, જાણે કહેતી ન હોય,"આ નહીં જપે હવે".
એના મતે "એક સાંધતા તેર તૂટે",એવી પરિસ્થિતિ અમારા 'આહાર-મંદિર' માં થવાની એ વાત નક્કી!
-> દરેક વાતમાં અપવાદ હોય,એમાં હું પણ બાકાત નથી. લોકડાઉનમાં ઘરકામની વહેંચણીમાં મારે ભાગે સફાઈ કામ આવ્યું.શરૂઆતનાં લક્ષણો તો,નવા ઝાડુ જેવા જ એકદમ! પણ આતો દાવ ઊંધો પડ્યો.
સફાઈ અભિયાનમાં શ્રી પંકિલભાઈ તો,ઘરે કામ કરવા આવનાર બહેન અને માતૃશ્રી બંને પર ભારે પડ્યા (obviously in terms of quality of work,you know!).મારી ચોખ્ખાઈની ચીવટતા તો મારી માતાને ગમી ગઈ.
પણ પેલું કહે છે ને કે,દરેક સારી વસ્તુ નું એક નબળું કે અણગમતું પાસું તો રહેવાનું જ!એને તમે સાઇડ ઇફેક્ટ પણ કહી શકો.
મારી ચોખ્ખાઇની ચીવટતાથી માતૃશ્રી હવે ચિડાવા લાગ્યા છે . એમના બીજીવારના ચા-કોફી , એમના પૂજ્ય પતિ સાથે પતી ગયાં હોય , પણ મારું પહેલી વારનું કચરા-પોતું પણ ન પત્યું હોય .
-> નવું ઝાડું (અહીં Metaphor તરીકે વાપરેલ),આપણને એક મહત્વના જીવનબોધ તરફ પણ ઇશારો કરે છે. Never judge a book by it's cover! જીવનમાં પરિસ્થિતિ હોય કે વ્યક્તિ,ક્યારેય પણ પ્રાથમિક લક્ષણો કે વર્તનથી,વ્યક્તિત્વનું અનુમાન ન લગાવવું.
બીજા શબ્દોમાં કહું તો દરેક વ્યક્તિને સમય કે સ્થિતિ અનુસાર,અનુકૂળ થવાનો સમય આપવો જરૂરી છે અથવા તો હિતાવહ છે.દરેક પરિસ્થિતિમાં આ વાત લાગુ ન પણ પડે છતાંય,યથાશક્તિ આનો ઉપયોગ આવકારદાયક અને આવશ્યક છે.
આખરણ!....
લોકડાઉનનાં કપરા સમયમાં, ઘરકામમાં યથાયોગ્ય સહયોગ અચૂક આપવો,મોદી સાહેબ નોટબંધી લાવેલા, પણ ઘરકામમાં ઢીલાશ, 'આહારબંધી' ને આવકારે એ વાતની પૂરેપૂરી શક્યતા ખરી! એમ કહું તો એ અતિશયોક્તિ ન ગણાય.
✍🏾.. પંકિલ દેસાઈ