જઠરાગ્નિશમન નો જોરદાર કાર્યક્રમ
રવિવારની સાંજે પેટ્ની આગ બહાર જઈ શમાવવાના અનેક વિકલ્પ હાજર તેથી પ્રશ્નાર્થ ઘણા કે ક્યાં જવુ અને શુ ખાવુ કારણ ત્યારે તૉ રામ રહિમ અને રોડ્રીગો બધાની જ આગ એક્સાથે પ્રજ્વલિત થતી હૉય છે. પાર્કિંગ ના P થી લઈ પ્લેટ ના P સુધીમા કેટ્લાયે અવરોધક પરિબળો વટાવવાના આવે. પાર્કિંગ માટે જગ્યા શોધવી એટલે ઠસોઠસ ભરેલા પેટ માં ગમે તેમ આપણે મુખવાસ ભરી દઈએ એમ. વેટિંગ લીસ્ટ માં નંબર લાગવાની રાહ જોતાં એવો વૈરાગ્ય ભાવ આવે કે સાલું આટલું અમસ્તું હાડકાં વિના નું અવયવ કેટલું હંફાવે ? કેટલીયે વારે નંબર લાગે.
પ્લેટ સુધી પહોંચીએ ત્યારે વેઈટર આપણી બેસવાની,જમવાની અને ઉઠવાની પ્રક્રિયા ને ROBOTIC બનાવે. હાથ પણ ધોવડાવી દે. ફક્ત કોળિયા ને મોં સુધી પહોંચાડવાનું બાકી રાખે. પ્લેટ માં વાનગી આવી જાય એટલે કેલરી ની ગણતરી એની મેળે જ થવા લાગે. એટલું ખરું કે જીભ પર સ્વાદ આવે એટલે એ લાગણી ક્યાય હડસેલાય તેનું સ્થાન સબડકા લઈ લે સાથે સાથે સારા નરસાપદાર્થ મિશ્રિત મોકટેલ્સ આવે એટલેકે રંગ ફીણ અને સુગંધ નું સામ્રાજ્ય એ કેવું હળવે થી આદત બની
જાય ખબર પણ ન પડે. પછી આવે ડેસર્ટ નો વારો ડેસર્ટ એટલે ખાટા ખારાચટપટા સ્વાદ થી ઉદ્દીપ્ત થયેલ લાવા રુપી આત્માને શાંતિ આપતું નાનું CLOSURE પણ આજ નન્ની સી જાન કેટલાયે ડોક્ટરને રોજી રળી આપે ને નાની નાની નળીમાં મોટા મોટા BLOCKAGE આપતી જાય. પેટ ના ખળભળાટ ની શાંતિ નો આટલો મોટો સમારંભ તો કાલસર્પદોષની શાંતિની વિધિ કરતાએ લાંબો લાગે
અંતે બહાર નીકળીએ અન્ન અને ઓડકારની મોટી રકમનું ટચૂકડું બિલ દઈ.
- મનીષા