હજી તો દુશ્મનોની આખેઆખી ટોળી બાકી છે;
છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે.
બળી ગઈ મૂછ તારી માત્ર એક તણખાના અડવાથી?
વિચારી લે હજી આગળ ધધકતી હોળી બાકી છે!
ભલે તેં ઝાડવું મારી ખુશીનું કાપી નાખ્યું હોય,
પરંતુ મારી અંદર ક્યાંક એક લીંબોળી બાકી છે.
ઘણાં વર્ષે મળ્યો જો મિત્ર, ટપલી દાવ લઈ લીધો;
હજી તો ધૂળમાં ઢસડીશું, ટીંગાટોળી બાકી છે.
હવે આ પોતપોતાની ઊણપને ઊજવી લઈ, ચાલ;
દીવો બાકી છે તારે, ને મારે રંગોળી બાકી છે.
ઉદાસી ભાવી નહિ તો જિંદગીને એંઠી મૂકવાની?
જરા જો ધ્યાનથી થાળીમાં પુરણપોળી બાકી છે.