એક આહ ભરીને બેઠું થયેલ સપનું, એ જાણે છે આંખો ખુલતા જ એનું અસ્થિત્વ ભૂંસાય જવાનું છે. છતાં પણ એ જન્મધાર કરે છે, એની પરિપક્વતા પામવાની ઈચ્છા પળ વારમાં વિરાન થઈ જાય છે...
એ સપનું ટેવાય ગયું છે ઊંચા મિનારા પરથી પડતા, રોજ જન્મે છે રોજ ચડે છે રોજ મરે છે અને ફરી જન્મે છે. થોડીવારની ખુશી માટે એ આવે છે અને અનેક વખત ચલિત કરીને જાય છે. હા, એ સપનું છે જે બંધ આંખોએ આવે છે...
સુંવાળા હાથમાં સુંવાળું જાસમીનનું પુષ્પ લઈ, આંખોની ચમકને પોતાના ચશ્મામાં બાંધી, થોડી દુબલી કાયા અને રક્ત- દૂધ મિશ્રણ કરી બનેલો એમના ચામડીનો રંગ, કોઈ પર્વત પરથી વહેતા અને નીચે પડતા ઝરણાં જેવા છુટા વાળ એમાં થોડો રંગ ભળી ગયો છે ઉંમરનો, પોતાના જોબન પર મોહિત કરાવતી એમની આંખો, બસ શ્વાસ મારો ત્યાં જ મંદ થઈ જાય છે અને આંખો મારી ખુલી જાય છે. હા, એવું હતું એ સપનું...?
અહેસાસોના નગરમાં રહી ગયા હોય તો અપેક્ષા ત્યજી નાખવી પડે છે, અહીં અબેક અહેસાસો તૂટે છે, આંખો પ્રવાહીથી ભારે થઈ જાય છે, પાંપણ છે એટલે ઈજ્જત રહી જાય છે. રોજ તૂટેલા અરમાનોને ભેગા કરી એ કાળી અંધારી રાતમાં આકાશમાં ટાંગી નિહાળી રહ્યો હોય એની તસ્વીરને, એ દ્રષ્ટિ ફક્ત અહેસાસ જ આપી શકે છે. અને એ અહેસાસ એટલે...તારું આવવું અને તારું જવું...એ બંને વચ્ચે રહેલી થોડીક ક્ષણો....
નજાગી ગયો છું હું, હવે સપના સજાવવા નથી કે મારે અરમાનના મિનારા પર ચડી અહેસાસોની આત્મહત્યા નથી કરવી. આંખ બંધ નથી કરતો મને ખબર છે બંધ આંખોમાં તારું પ્રવેશ કરીને આવવું અને ખુલ્લી આંખોએ પછી તરસાવવું હવે નથી ફાવતું. યાદોના અંગારા રાખી ને બેઠસવાની આદત છે, એટલે સપનાનું સ્મિત કે ઠંડક આપતું તારું ચુંબન નથી જોઈતું....
✍️મનોજ સંતોકી માનસ ✍️