જે શીશ નમતું નથી તેનું કોઇ મૂલ્ય નથી
સમર્પણમાં તમારું શીશ નમીને હૃદયને મળે છે. જે શીશ નમતું નથી એનું કોઈ મૂલ્ય નથી, અને અક્કડ રહેનારા શીશને મોડા-વહેલા ક્યાંક તો સમર્પણ માટે કે પછી શરમથી ઝૂકવું જ પડે છે. જે શીશ સમર્પણમાં નમે છે એને કદી શરમથી ઝૂકવું નથી પડતું. શરમનું સગપણ ઘમંડ સાથે છે. શરમાળપણું પ્રેમ સાથે જોડાયેલું હોય છે. બાળકોને જુઓ, કેવા શરમાળપણાથી પ્રસ્તુત થાય છે? એ સાવ સ્વાભાવિક હોય છે.
શરમાળપણું (શરીરના) બંધારણમાં જ હોય છે. શરમ તમને સમજ આપે છે અને તે તમારે કેળવવી પડે છે. શરમ તમારામાં ગુનાની ભાવના લાવે છે, પરંતુ શરમાળપણું તમારી સુંદરતામાં વધારો કરે છે. તમારા શરમાળપણાને જાળવો અને શરમથી દૂર રહો.
કૃષ્ણ અર્જુનને કહે છે, ‘તું મને ખૂબ જ પ્રિય છે.’ અને ત્યારબાદ તરત જ એ અર્જુનને કહે છે કે એણે સમર્પણ કરવું જ જોઈએ. સમર્પણની શરૂઆત જ એક ધારણા સાથે થાય છે. તમારે ધારવું પડે છે કે તમે ઈશ્વરના ખૂબ જ પ્રિય પાત્ર છો અને ત્યારે જ તમે સમર્પણ કરી શકો છો.
સમર્પણ એ કોઈ કાર્ય નથી એ એક ભાવ છે, એક ધારણા છે. સમર્પિત ન હોવું એ અજ્ઞાન છે. સમર્પિત ન હોવું એક છલના છે. સમર્પણની શરૂઆત ધારણા રૂપે થાય છે અને ત્યારબાદ એ વાસ્તવિક રૂપે પ્રસ્તુત થાય છે; અને અંતે એ એક છલના તરીકે ઓળખાય છે, કારણ ત્યાં બીજું કોઈ છે જ નહીં, કોઈ દ્વૈત નથી. કોઈનું પણ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, માટે સમર્પણ કરનાર અલગ નથી અને જેને સમર્પિત થવાનું છે તે હસ્તી પણ અન્ય નથી.
તમારે સમર્પણની ક્રિયામાંથી એટલા જ માટે પસાર થવું પડે છે કે એ એક છલના છે તે તમે સમજો. પસંદગી એ જ તમારું ભાગ્ય છે. કૃષ્ણ અર્જુનને શરૂઆતમાં નથી કહેતો કે તું સમર્પણ કર. પહેલાં એને કહે છે, ‘તારી પાસે અન્ય કોઈ માર્ગ નથી, તારે સમર્પણ કરવું જ રહ્યું, ક્યાં તો તે તું અત્યારે જ કરે અથવા સમય વિત્યે કરજે.’ પ્રેમનો આ જ માર્ગ છે.
આપણામાંથી મોટાભાગના આ દુનિયામાં પોતાની સાથે ‘આ બરાબર નથી’નું એક બીજ લઈને આવે છે. આપણી આખી જિંદગી આપણે ઘટનાઓ, લોકો અને પરિસ્થિતિઓને સુધારવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પરંતુ તેમને કેટલા સુધારી શકીએ છીએ? એ આકાશનાં વાદળોને ફરીવાર ગોઠવવાનો પ્રયત્ન કરવા જેવું જ છે. આ બીજ તમને કદી સુખી નથી થવા દેતું, દિલથી હસવા નથી દેતું, તમને નથી તો પ્રેમાળ બનવા દેતું કે નથી પ્રેમને પાત્ર બનવા દેતું. એ આખો સમય એક કાંટાની જેમ તમને ખૂંચ્યા કરે છે, હેરાન કરે છે. આ ‘આ બરાબર નથી’નું બીજ તમને આ જગતમાં વારંવાર પાછું લાવે છે.
તો, આ બીજને તમે બાળશો કઈ રીતે? માત્ર એ ત્યાં છે એ પ્રત્યે જાગ્રત બનો. એ માત્ર ગહન આંતરખોજ અને ધ્યાન ધરવાથી જ થઈ શકશે.
કેટલીક વાર તમને એવું પણ લાગે છે કે તમારું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહં પણ યોગ્ય નથી. તમે એમને સાચા ઠેરવો કે એમનો વાંક કાઢો, પરંતુ એ પણ આ જગતનો જ હિસ્સો છે. તમે જેને અપૂર્ણતા તરીકે જુઓ છો અને ઓળખો – સ્વીકારો અને પછી ઈશ્વરને સમર્પિત કરી દો.