યૌવનાનું ગીત /મનન
જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રે'તું,
હૈયામાં છલકાતું, હોઠોમાં મલકાતું, આંખોમાં છાનું ના રે'તું.
ગુલાબી ગાલો પર વ્હાલ ફૂટ્યું વાસંતી ફાગણિયો રોમ રોમ ફોર્યો ;
મનગમતા સપનાનો ગૂંથેલો દોર મારા કાળજમાં કોડ ભરી મ્હોર્યો.
ભીતરમાં ભીડેલા બાંધ બધા તૂટીને, પ્રેમનું આ પૂર થયું વહેતું,
જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રે'તું.
છેલછટાક થઈ હું આમ તેમ ફરતી ને ઘડી ઘડી આરસીમાં જોતી ;
કોઈ આમ અડકે ને ઓચિંતું થડકે ત્યાં જાણું હું મારામાં નો'તી.
સૈ રાત-દિ' રુદિયામાં એવું રણઝણતું કે ઊંઘું તોય ઊંઘવા ન દેતુ
જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રેતું.
-મનુ.વી.ઠાકોર 'મનન'