આજે સવારે ઘરમાં એક નવા મહેમાનને જોયું. નાનકડું પણ એટલું સુંદર. એના શરીર પર કુદરતે કરેલી ચિતરામણ જોઈ મને એને થોડું ડિસ્ટર્બ કરવાનું મન થઇ આવ્યું અને એનો એક ફોટો ખેંચી લીધો.
આજકાલ જીવડાં પણ ભારે ખતરનાક થઈ ગયા છે. માણસોની સાથે રહીને એમણે પણ બચવા માટે નવું કેમિકલ શોધી કાઢ્યું છે એમ તો કેમનું કહી શકાય. એમનામાં એટલી બુધ્ધિ હોત તો ક્યારનાય માણસો પર રાજ ના કરતા હોત...જીવડાં જેવી યુનિટી ભલા માણસો ક્યાંથી લાવવાના! આપણે જ જેતે રાસાયણિક પદાર્થો છોડવા પર છાંટીએ છીએ, પાણીમાં કેટલાક આપણે જ ફેંકેલા રસાયણો ઓગળેલા હોય એ બધાની અસર હોય શકે જેથી જીવડું વધારે ઝેરીલું બન્યું!
અમારે ચામડીના ડોકટરને ત્યાં એટલા ભયાનક કેસ આવે, જોઈને લાગે કે આના ઉપર એસિડ એટેક થયો કે શું પછી ખબર પડે ત્રણ દિવસ પહેલા એક જીવડું કરડી ગયું કે એનું કેમિકલ ફેંકી ગયું. પહેલા તો એ નોર્મલ જ લાગે બીજા દિવસે બળતરા બળે, ચામડી પર લાલાશ જણાય અને ત્રીજે દિવસે ફોડકા, સોજો, બળી ગઈ હોય એવી ચામડી અને અસહ્ય બળતરા સાથે દર્દી બૂમો પાડતો આવે. કેટલીક વખત આજીવન ચહેરો બગાડી મૂકે એવું પણ બની શકે. વ્યવસ્થિત સારવાર ખૂબ જરૂરી!
મને થાય કે જીવડું તમને કરડે કેમ? એની તમારી સાથે કોઈ દુશ્મની તો નહતી. કંઈ આગલા ભવનું વેર વાળવા એ જીવડું બની અવતર્યું અને તમને કરડીને બદલો લે એવું પણ નથી, ઉપરથી એ બિચારું તમને કરડયા બાદ મરી જ જવાનું હોય. માણસ જાત જેવું ઘાતકી જનાવર આ દુનિયામાં બીજું કોઈ છે? કેટલાકને તો આજીવન જીવડાથી એલર્જી હોય, જેવું નજરે ચઢે એવું જ છાપુ કે ચપ્પલ ઉઠાવે અને ધડામ...દઈને એક ઝીંકી દે, એક જ ઘા ને પેલા બચારાનો છૂંદો થઈ જાય!
એક સિમ્પલ વાત કહું, આ દુનિયા એકલા માણસોની તો નથી! પર્યાવરણ ભણ્યા હોય એને ખયાલ હશે કે એ જીવડાં પણ આ સૃષ્ટિનો એક અમૂલ્ય ભાગ છે. એમને રહેવા માટેના જંગલોનો આપને કચ્ચરઘાણ વાળ્યો ત્યારે જ એમને શહેરો સુધી લાંબા થવું પડ્યું ને. ક્યારેક તમારા ઘરે આવી જાય તો એ રસ્તો ભૂલ્યું એમ વિચારી એને જાળવીને ઘરની બહાર ના મોકલી શકો, આગળ એ જીવતું રહી શકે એવી પરિસ્થિતિમાં..? હું તો મારા છોડવા ઉપર એમને રહેવા દઉં છું...નથી હું એમને નડતી કે મને નડતા. કેટલાય લોકો સલાહ આપે છે જીવડાંનો શો ભરોસો એ કરડી જાય તો હાલત ખરાબ થઇ જાય...મને થાય એ જીવડું કરડશે તો ફક્ત હાલત ખરાબ થશે પણ એને માણસ કરડશે તો એનો જીવ જશે! જીવડાં પર ભરોસો ના મુકાય પણ માણસાઈ પર?
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏