જાણો મનોકામનાઓની પૂર્તિ કરનારા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર કેમ છે ઉત્તમમાં ઉત્તમ
તમામ પ્રકારના કષ્ટોને દૂર કરીને સુખ અને સમૃદ્ધિ આપનારા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર શું છે તેની વિશેષતાઓ કઈ છે ચાલો જાણીએ એ વિશે…
માનવ જાતિનું પાલન પોષણ અને કલ્યાણ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર દ્વારા કરવામાં આવે છે. તેના અલગ અલગ સંસ્કરણ મહાભારત, પદ્મપુરાણ તેમજ મત્સ્ય પુરાણમાં ઉપલબ્ધ છે. સ્તોત્રમાં આપવામાં આવેલા તમામ નામ શ્રી વિષ્ણુના અગણિત ગુણોમાંથી કેટલાંકને સૂચિત કરે છે. વિષ્ણુજીના ભક્ત સવારના પૂજનમાં તેનો પાઠ કરે છે. એવી માન્યતા છે કે તેને કરવાથી કે સાંભળવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે.
બદલાઈ શકે છે જીવન
મહાભારતમાં અનુશાસનપર્વના 149માં અધ્યાય અનુસાર કુરુક્ષેત્રમાં બાણોની શય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો હતો કે કોણ એવું છે જે સર્વ વ્યાપ્ત છે. અને સર્વ શક્તિમાન છે. ત્યારે તેમણે જણાવ્યું કે મહાપુરુષ ભગવાન વિષ્ણુ છે. તેમણે તેમના 1000 નામોની જાણકારી આપી. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે દરેક યુગમાં આ નામોનું ઉચ્ચરણ કરવાથી કે સાંભળવાથી લાભની પ્રાપ્તિ થાય છે. જો દરરોજ 1000 નામોનો જાપ કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓ હલ થઈ જાય છે. વૈદિક પરંપરામાં મંત્રોચ્ચારણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો યોગ્ય રીતે મંત્રોચ્ચરણ કરવામાં આવે તો જીવનની દિશા જ બદલાઈ શકે છે. વિષ્ણુ સહસ્ત્રનામને બીજા અનેક નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે શંભુ, શિવ, ઈશાન, રુદ્ર વિગેરે તેનાથી એ પ્રમાણિત થાય છે કે શિવ અને વિષ્ણુમાં કોઈ અંતર નથી. બંને એક સમાન છે.
સ્તોત્રના ત્રણ મુખ્ય ભાગ
કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્રનામના જાપનો બહું જ ચમત્કારીક પ્રભાવ જોવા મળે છે. આ મંત્રને સાંભળવા માત્રથી સાત જન્મ સુધરી જાય છે. તમામ કામનાઓ કે ઈચ્છાઓની પૂર્તિ થાય છે. દરેક દુઃખનો અંત આવે છે. આ સ્તોત્રના ત્રણ મુખ્ય ભાગ માનવામાં આવે છે. જેમાંથી પ્રથમ ગણેશ, વિષ્વકસેન, વેદવ્યાસ તથા વિષ્ણુને નમ કરવામાં આવે છે. તે પછી યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમામ લોકોમાં સર્વોત્તમ કોણ છે. સંસારી જીવનનું લક્ષ્ય ક્યું છે. કોની સ્તુતિ તેમજ અર્ચન કરવાથી માનવીનું કલ્યાણ થાય છે. સૌથી ઉત્તમ ધર્મ ક્યો છે. કોના નામના જાપથી સંસારના તમામ જીવને બંધનમાંથી મુક્તિ મળે છે. તેના ઉત્તરમાં ભીષ્મપુરુષોત્તમ, અનંત, દેવોના દેવ એવા વિષ્ણુના સહસ્ત્રનામ જપવાની, અચળ ભક્તિથી, સ્તુતિ કરવાથી, આરાધના કરવાથી, ધ્યાન કરવાથી નમનથી મનુષ્યને સંસારના બંધનથી મુક્તિ મળે છે. આ સર્વોત્તમ ધર્મ છે.
એ પછી ઋષિ દેવાદિ સંકલ્પ તથા પરમાત્માનું ધ્યાન કરવામાં આવે છે. આ ભાગમાં વિશ્વથી આરંભ, સર્વપ્રહરણાયુધ સુધી સહસ્ત્ર નામ છે જે 107 શ્લોકોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરમાત્માના અનંત સ્વરૂપ, ગુણ તેમજ નામોમાં જે સહસ્ત્ર નામો છે તેમાં દર્શાવાયા છે.
જ્યારે ત્રીજો ભાગ છે તે ફળશ્રૃતિ છે. સહસ્ત્રનામના પાઠથી પ્રાપ્ત થતાં લાભનું વિવરણ આપવામાં આવ્યું છે.