चोर
એકવાર એક ચોર મોટી ચોરી કરી અને ભાગી ગયો.
ચોરી મોટી હતી અને ઈજ્જતનો સવાલ હતો એટલે તંત્રએ ગમે તેમ કરીને શંકાના આધારે પણ અસલ ચોરને પકડી લીધો. પણ પુરાવા પાક્કા ન હતા. કેસ કોર્ટમાં ગયો.
ચોરે પણ બચવા માટે ઇલાકાના મોંઘામાં મોંઘા વકીલને રોક્યો. કેસ લાંબો ચાલ્યો. ચોરના વકીલે તેનો તમામ કસબ અજમાવી દીધો. છેવટે પૂરતા પુરાવાના અભાવે મેજિસ્ટ્રેટે ચોરને નિર્દોષ ગણી છોડી મૂક્યો.
મજાની વાત હવે આવે છે. નિર્દોષ છૂટ્યા પછી વકીલે ચોરને પૂછ્યું. જો, ભાઈ મેં તને નિર્દોષ છોડાવ્યો છે. તેં મને ફી પણ પૂરી આપી દીધી છે. બસ મારા સંતોષ ખાતર મને સાચેસાચું કહી કે તેં ખરેખર ચોરી કરેલી કે નહીં?
હવે, ચોર જે જવાબ આપે છે તે ગજબનો છે.
ચોર કહ્યું: વકીલ સાહેબ, કોર્ટમાં મને નિર્દોષ છોડાવવા માટે તમે જે દલીલો કરી "તે સાંભળી સાંભળીને" મને પણ હવેતો એવું લાગવા માંડ્યું છે કે મેં ચોરી નહીં જ કરી હોય. હું નિર્દોષ જ હઈશ.
આ વાત હાલના બની બેઠેલા ધાર્મિક મહા(?)પુરુષોને એકદમ ફિટ બેસે છે. તેઓ કબીરજી, નાનકદેવ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષો, કે જેમણે દિવ્યત્વને પ્રત્યક્ષ અનુભવી અને જગતને જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ આ લોકોએ વાંચી વાંચી અને તે મુજબ પ્રવચનો કરતાં કરતાં એમને એમ લાગવા માંડ્યું કે જાણે એ બધા એમના પોતાના જ અનુભવ હોય !
ખરેખર તો દિવ્યત્વની વાસ્તવિક અનુભૂતિ ન થઈ હોય તે, બીજા પાસેથી ઉધારનું મેળવેલું, અન્યોને કથવું અને તે "ગુરુ થઈને" ઉપદેશવું એ પોથી-પીંજણ અને પિંગળકથા થી વિશેષ કશું જ નથી. અને આવા પોથી અને પિંગળ ગુરુથી સાંભળનારને કે ગ્રહણ કરનારને કોઈ લાભ ન થાય.
હા, આ ઉછીનું લઈને જે વાણી-વ્યાપાર કરે છે તેમને જ્ઞાની થઈ ગયા હોવાનો મિથ્યા સંતોષ, અબૂધ લોકોમાં મહાત્મા તરીકે પૂજાવાનો લ્હાવો અને કંઇક અંશે આર્થિક ઉપાર્જનનો લાભ જરૂર મળે છે.
જગતમાં આવા મહાત્માઓ, જેમ એકાદ વરસાદનું ઝાપટું પડે અને ઠેર ઠેર બિલાડીના ટોપ ઉગી નીકળે છે તેમ, ખૂબ ફૂલી ફાલી રહ્યા છે.